અખબારી અહેવાલો પ્રસિદ્ધ થતા બનાવ પરદા બહાર આવ્યો મોરબી : રાજકોટ CGSTની પ્રિવેંટીવ ટીમ દ્વારા મોરબી નજીક આવેલા રફાળેશ્વર પાસે આવેલા એક લેમીનટ્સની ફેકટરી પર GST ચોરીના સંદર્ભે દરોડાની કાર્યવાહી દરમ્યાન CGSTની ટીમને ડરાવવા માટે કારખાનેદારે રિવોલ્વર કાઢી હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થતા ખળભળાટ મચી ગયો છે. દરોડા દરમ્યાન બનેલા આ બનાવથી સ્થળ પર હંગામો મચી ગયો હતો. જો કે ટીમ દ્વારા કામગીરી જારી રખાઈ હતી. દરોડાની કાર્યવાહી દરમ્યાન 2.50 કરોડની ચોરી ઝડપાતા 40 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી. તેમજ થોકબંધ સાહિત્ય કબ્જે કરી કારખાનેદારની ધરપકડ કરાઈ હતી. જો કે બાદમાં તેનો છુટકારો કરાયો હતો. બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે રફાળેશ્વરમાં આવેલી વેલમાઈકા લેમીનેટ્સ પ્રા. લી. નામની ફેકટરી પર જીએસટી ચોરીની આશંકાથી રેડ પડાઈ હતી. સાહિત્યની ચકાસણી દરમ્યાન કારખાનેદારે ઉશ્કેરાઈ જઈ દરોડા ટીમને ડરાવવા માટે રિવોલ્વર કાઢી હતી. અલબત્ત સ્ટાફે ડર્યા વગર તેની કામગીરી ચાલુ રાખી હતી. પ્રાથમિક તપાસ દરમ્યાન 2.50 કરોડની GSTની ચોરી થઈ હોવાનું પ્રમાણિત થતા તેમાંથી 40 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી. બાકી નીકળતી રકમ પણ ટૂંક સમયમાં રિકવર કરી લેવામાં આવશે એવું જાણવા મળ્યું છે. CGST ટીમ સામે રિવોલ્વર કાઢવાના મામલે રવિ આદ્રોજા નામના કારખાનેદારની ધરપકડ કરાઈ હતી. જો કે બાદમાં તેને છોડી દેવાયો હતો. એડિશનલ કમિશનર શ્રીનિવાસને આ દરોડા સંદર્ભે જણાવ્યું હતું કે હજુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આથી જીએસટીની કેટલી રકમની ચોરી થઈ છે એ હાલના તબકકે જણાવવું મુશ્કેલ છે. કબ્જે કરેલા તમામ સાહિત્યની ચકાસણી બાદ ચોરીનો ફાઇનલ આંકડો સામે આવશે એવું શ્રીનિવાસને મધ્યમોને જણાવ્યું હતું.