મોટી સંખ્યામાં શિક્ષકોએ ઘરણા પ્રદર્શન કરીને પોતાની માંગણીઓને બુલંદ બનાવી : સાંજે પ્રાથમિક શિક્ષકો પડતર માંગણીઓ સંદર્ભે કલેકટરને આવેદનપત્ર પાઠવશે મોરબી : મોરબી જિલ્લાના શિક્ષકોએ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે મોરચો માંડ્યો છે. આજે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં પ્રાથમિક શિક્ષકોએ પડતર માંગણી મામલે ઘરણાં પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં શિક્ષકોએ ઘરણા પ્રદર્શનમાં જોડાઈને પોતાની પડતર માંગણીઓની માંગને બુલંદ બનાવી હતી. તેમજ સાંજે ચાર વાગ્યે શિક્ષકો પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવશે. સરકારના દરેક કાર્યક્રમો,કોઈપણ સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું અને વિદ્યાર્થીઓના ભણતર, ગણતર અને ઘડતરનું કાર્ય સુપેરે નિભાવતા શિક્ષકોના કેટલીક માંગણીઓ વર્ષોથી વણઉકેલી પડી છે. જેમ કે જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગારપંચની સંપૂર્ણ અમલવારી તા.1/1/16ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકોને સમાનરૂપે લાગુ કરવી, ઉચ્ચતર પગાર ધોરણ સી.સી.સી.પરીક્ષા પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખથી આપવા બાબત તેમજ તા.30.6.16 પછી મુદત વધારવા બાબત, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.4200/-ગ્રેડ પે ચાલુ રાખવા બાબત, એસ.પી.એલ. રજા અન્ય જિલ્લાની જેમ મંજૂર કરવી, છેવાડાના તાલુકાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોના દશ વર્ષના બોન્ડ નાબૂદ કરવા, ઉચ્ચ પ્રાથમિક શિક્ષકને અલગ ગ્રેડેશન આપવા બાબત વખતો વખત રજૂઆતો કરવા છતાં આ તમામ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવતો ન હોય શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો હતો. મોરબી જિલ્લામાં આજે પ્રાથમિક શિક્ષકો દ્વારા દરેક તાલુકા મથકે પડતર પ્રશ્ને ઘરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી,વાંકાનેર, ટંકારા, હળવદ અને માળીયા એમ મોરબી જિલ્લાના પાંચેય તાલુકા મથકે પ્રાથમિક શિક્ષકોએ મોટી સંખ્યામાં ઘરણા પ્રદર્શન કર્યું હતું. શિક્ષકોએ પોતાની માંગણીઓ સંદર્ભે વિવિધ સૂત્રોચ્ચાર સાથેના બેનરો પ્રદર્શિત કરીને પડતર પ્રશ્નો ઉકેલવાની સરકાર સમક્ષ માંગ કરી હતી. જ્યારે આજે સાંજે 4 વાગ્યે જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પોતાની પડતર માંગણીઓ ઉકેલવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવશે.