મોરબી : સમગ્ર મોરબી શહેરમાં જો કોઈ સળગતી સમસ્યા એક સમાન હોય તો એ છે ભૂગર્ભ ગટરો. ઠેક ઠેકાણે ભૂગર્ભ ગટરો ઉભરાવવાની કે એના ઢાંકણ તૂટી જવાની અસંખ્ય ફરિયાદોનો તત્કાલ નિકાલ લાવવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. સ્વામી નારાયણ મંદિરથી માધાણી શેરીના નાકા સુધીની ભૂગર્ભ ગટરો વારંવાર ઉભરાઈ જતી હોવાની રાવ કરી કરીને સ્થાનિકો થાકી ગયા છે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે કે પછી તંત્ર આ સમસ્યાને પહોંચી વળતું નથી એ નગરજનો સમજી શકતા નથી. ઉપરોક્ત સ્થળે ગટરના ઢાંકણ તૂટી જવા, આજુબાજુના પેવિંગ બ્લોક નીકળી જવા જેવી સમસ્યાઓથી સ્થાનિકો પીડાઈ રહ્યા છે. વળી ગંદકીને કારણે રોગચાળાનો ખતરો વધી રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર ખુદ ભૂગર્ભમાં ઉતરી ગયું હોય એવું લોકો અનુભવી રહ્યા છે.