હળવદ : હળવદ તાલુકાના સિરોહી અને માનસર ગામની વચ્ચેના રસ્તા પર એક કાર આડે ગાય આવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી. તેઓને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ હળવદ તાલુકાના સિરોહી અને માનસર ગામની વચ્ચેના રસ્તા પર કારની આડે અચાનક ગાય આવી જતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલી કારે રસ્તાની બાજુ પર પલ્ટી મારી હતી. આ અકસ્માતમાં મૂળ ધ્રાંગધ્રાના, હાલ મોરબીમાં લીલાપર રોડ પર આવેલા બજરંગ ફાર્મ હાઉસ નજીક રહેતા પ્રદ્યુમ્નભાઈ બાલકદાસભાઈ રામાનુજ (ઉ.વ. 48), મોનાબેન પ્રદ્યુમ્નભાઈ રામાનુજ (ઉ.વ. 45), જયશ્રીબેન નરસીદાસ (ઉ.વ. 50) અને હંસાબેન નટુભાઈ ઈજાગ્રસ્ત બનતા તેઓને મોરબીમાં આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ ચારેય ધ્રાંગધ્રાના વેળાવદર ગામે લૌકિક કાર્ય માટે જતા હોવાનું જાણવા મળ્યું છે.