વાંકાનેર : વાંકાનેર તાલુકાના તથાવા ગામ નજીક ભંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નવનિર્મિત માતંગી મોઢેશ્વરી માતાના મંદિર 'માનું ધામ' ખાતે માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન દ્વારા આગામી તા. 5 અને 6 ડિસેમ્બરના રોજ શાસ્ત્રી હિમંતલાલભાઈ જોશી (હજનાળીવાળા)ના અધ્યક્ષસ્થાને તથા શાસ્ત્રી બળવંતરાય દવેના આચાર્યપદે મોઢ સમાજના કુળદેવી માતંગી મોઢેશ્વરી માતાજી, ગણપતિજી અને હનુમાનજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 5ના રોજ સવારે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિતથી સાંજે ધાન્યધિવાસ સુધીની અલગ-અલગ વિધિ કરવામાં આવશે. તેમજ તા. 6ના રોજ શાસ્ત્રોકત વિધિઓ તથા બપોરે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. દાતાઓ દ્વારા બંને દિવસે સવારે 11-30 કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી (હિન્દૂ આચાર્ય સભાના સંયોજક અને આર્ષ વિદ્યા મંદિરના અધ્યક્ષ, મુંજકા, રાજકોટ), મહંત રતિલાલજી મહારાજ (જડેશ્વર મહાદેવ મંદિર, રતન ટેકરી, વાંકાનેર), મહંત ધર્મહરિદાસજી મહારાજ, ભંગેશ્વર મહાદેવ મંદિર, તીથવા) તથા મહંત અશ્વિનભાઈ રાવલ (ગાયત્રી મંદિર, કાળકા માંની ટેકરી, વાંકાનેર) ઉપસ્થિત રહી મહોત્સવને દીપાવશે અને આશીર્વચન આપશે. આ તકે માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લેવા માટે સર્વે મોઢ સમાજના જ્ઞાતિજનો, સંસ્થાના હોદેદારો, કાર્યકરોના પરિવારજનો તથા માતાના ભક્તજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.