વાંકાનેર : આજના ઝડપી યુગમાં વિદ્યાર્થીઓ જ્યારે મેદાનથી દૂર અને મોબાઈલથી નજીક થતા જાય છે ત્યારે સિંધાવદરની એસ.એમ.પી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓ, ખાસ કરીને રમતગમતમાં ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષા સુધી પોતાનું કૌવત દાખવીને સર્વાંગી વીકાસ સાધી રહ્યા છે. રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ - ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી, સુરત ગ્રામ્યની કચેરી દ્વારા સંચાલિત રાજ્ય કક્ષા અંડર-19 ડોઝબોલ ભાઈઓ/બહેનોની સ્પર્ધાનું આયોજન સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં ગત તા. 26 નવેમ્બર થી 27 નવેમ્બર દરમિયાન થયેલ હતું. આ સ્પર્ધામાં બહેનોના વિભાગમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 19 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં મોરબીન ટીમે ચોથું સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધામાં મોરબી જિલ્લાની ટીમમાંથી ઉત્કૃષ્ઠ રમતનું પ્રદર્શન કરનારી અશરફનગર સિંધાવદરની રહેવાસી કડીવાર મોહીનાબાનું હુશેન તેમજ કણકોટ ગામની રહેવાસી સિપાઈ સૂઝાનાબાનું ગુલાબની રાષ્ટ્રીય કક્ષાની ટીમમાં પસંદગી થઈ હતી. હવે આ બંને ખેલાડી પ્રિ-નેશનલ કેમ્પ માટે અમદાવાદ રમતગમત સંકુલ ખાતે જોડાશે. ત્યારબાદ મધ્યપ્રદેશ મુકામે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. બંને ખેલાડી વિદ્યાર્થીઓને તેમજ તેમના કોચ/ વ્યાયામ શિક્ષક જુનેદ વડાવીયાને મોરબી જિલ્લા વ્યાયામ પરિવાર તેમજ એસ.એમ.પી. હાઈસ્કૂલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.