નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કુટીર ઉધોગના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો માટીકામના કારીગરોથી અભિભૂત મોરબી : ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલીજી સંસ્થાન દ્વારા ગાંધીનગર સ્થિત ટાઉન હોલમાં માટીકલાનું પ્રદશન આયોજિત કરવામાં આવ્યું હતું. આ પ્રદશનનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું હતું. 28 નવેમ્બરને ગુરુવારના રોજ ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનની બાજુમાં આવેલ ટાઉનહોલમાં ગુજરાતના માટીકામ કરતા પ્રજાપતિ કારીગરોની કલાકૃતિઓનું પ્રદશન અને સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું હતું. અન્ન, નાગરિક પુરવઠા, કુટીર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રીના રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ વડોદરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક તેમજ પીઓપીના વધતા ઉપયોગથી પર્યાવરણને થતા નુકશાન સામે માટીકામના કારીગરો દ્વારા બનાવેલી જીવન જરૂરી બની ગયેલી વિવિધ કલાકૃતિઓનું પ્રદશન નિહાળી તેમજ તેની સાર્થક ઉપયોગીતા વિશે જાણી ઉપસ્થિત મહાનુભાવ સહિતના લોકોએ માટીકારીગરોની કોઠાસૂઝને બિરદાવી હતી. ખાસ કરીને કુદરતી રીતે પાણી ઠંડુ રાખતી માટીની બોટલો, રસોઈ બનાવવામાં ઉપીયોગમાં લેવાતા માટીના વાસણો અને રસોઈને પ્રાકૃતિક રીતે જ તાજી અને ગરમ રાખતા માટીના વાસણોએ ઉપસ્થિતોને વિશેષ રૂપે પ્રભાવિત કર્યા હતા. માટીથી બનતી અને રોજિંદી જરૂરિયાત સંતોષતી દરેક કલાકૃતિઓને આવનારા દિવસોમાં વધુ પ્રચલિત કરવા અને લોકભોગ્ય બનાવવા નાયબ મુખ્યમંત્રીએ, કારીગરોને સરકારના પ્રયત્નો વિશે આશ્વત કર્યા હતા.