ઓમ હોસ્પીટલના કાન-નાક-ગળાની સારવારના નિષ્ણાત ડો. હિતેશ પટેલની પ્રેરણાદાયી પહેલ મોરબી : પ્રવર્તમાન સમયમા પશ્ચિમી સંસ્કૃતિનુ આક્રમણ થઈ રહ્યુ છે ત્યારે આજનુ યુવાધન પોતાના જન્મદીન કે લગ્નની વર્ષગાંઠ ઉજવવા ઢગલો રૂપિયાનો ખર્ચ મોજ-શોખ તેમજ વૈભવી મિજબાની પાછળ કરતા જોવા મળે છે. પરંતુ મોરબીના તબિબે લગ્નની ૧૫મી વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે કરી હતી. મોરબીના કાન-નાક-ગળાના નિષ્ણાંત તબિબ ઓમ હોસ્પીટલના નિષ્ણાત ડો. હીતેશ પટેલ તેમજ તેમના પત્ની દિપ્તીબેન પટેલે લગ્નની ૧૫મી વર્ષગાંઠ નિમિત્તે માનવ સેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી પોતાના વરદ્હસ્તે લોકોને ભોજન પિરસી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમસ્ત ભક્તજનો તેમજ પૂ. જલારામ બાપા ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તકે ડો. હિતેશ ભાઈના પરિવારજનો ઉપરાંત ડો. મનિષ સનારીયા, ડો. નિલેશ પટેલ સહીતના મોરબીના તબીબોએ ઉપસ્થિત રહી પૂજ્ય જલારામ બાપાનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. તબિબના આ પ્રેરણાદાયી કાર્ય બદલ મોરબી જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, હરીશભાઈ રાજા સહીતના અગ્રણીઓએ તેમને શુભકામના પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમા ડો. હિતેશ પટેલે તેના જન્મદીન નિમિતે પણ ઝુંપડપટ્ટીના બાળકોને અલ્પાહાર કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. પોતાની વ્યસ્ત જીવનશૈલીમાંથી સમય કાઢી સમાજ ઉપયોગી કાર્યો કરવા બદલ તથા લગ્નની વર્ષગાંઠ બદલ મોરબીના તબિબ દંપતિ પર ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.