મોરબી : ગુરુવારે અમદાવાદની યુનિવર્સિટી સ્થિત કન્વેક્શન હોલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 2014 બાદ રાજ્યના જે પોલીસકર્મી અને અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હતો એ તમામ 168 અધિકારીઓ-કર્મચારીઓને એવોર્ડ પહેરાવી અલંકૃત કર્યા હતા. 2015થી 2018 દરમ્યાન પોલીસ ખાતામાં ઉત્કૃષ્ઠ કામગીરી માટે ગુજરાતમાં 168 પોલીસ અધિકારીઓ તેમજ વિવિધ શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદની યુનિવર્સિટી સ્થિત કન્વેક્શન હોલમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મેળવેલા રાષ્ટ્રપતિ ચંદ્રકથી અલંકૃત કર્યા હતા. જેમાં મોરબી જિલ્લાના ત્રણ પોલીસ કર્મચારીઓને પણ રાષ્ટ્રપતિ એવોર્ડથી અલંકૃત કરાયા હતા. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા જેન્તીલાલ ધનજીભાઈ ડામોરે 2015ની સાલમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો હતો. ડ્રા. પો. કોન્સ. દિગ્વિજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને 2016ની સાલમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. જ્યારે એસ.ઓ.જી. હેડ કોન્સ્ટેબલ ફારૂકભાઈ યાકુબભાઈ પટેલે 2018ની સાલમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો હતો. આમ મોરબી જિલ્લાના કુલ ત્રણ પોલીસકર્મીઓએ મેળવેલા રાષ્ટ્રપતિ ચંદ્રક ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એક ભવ્ય કાર્યક્રમમાં અલંકૃતિત કરાયા હતા. જે મોરબી જીલ્લા માટે અને પોલીસ ખાતા માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી હતી. રાષ્ટ્રપતિ એવોર્ડ અલંકૃત કરવાના ઉપરોક્ત ભવ્ય સમારંભમાં ગુજરાતના ડિજીપી શ્રીશિવાનંદ ઝા સાહેબ, રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રીસંદીપસિંહ તેમજ મોરબી જિલ્લા એસપી શ્રીકરણરાજ વાઘેલાએ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિ એવોર્ડથી અલંકૃતિત થયેલા અધિકારીઓ તેમજ પોલીસકર્મીઓને શુભેચ્છા આપી હતી અને તેઓની વિસ વર્ષની ઉત્કૃષ્ઠ કામગીરીને આધારે મેળવેલી એવોર્ડ વિનિંગ કર્મનિષ્ઠાને બિરદાવી હતી.