બે આરોપીઓ પકડાયા, અન્ય 4 આરોપીઓની શોધખોળ ચાલુ વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર નેશનલ હાઇવે પર થયેલ લૂંટના બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને અન્ય 4 આરોપીઓની શોધખોળ ચાલુ છે. ગત તા. 23 નવેમ્બરના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી તથા તેની સાથેના વ્યક્તિ તેનું આઇસર વાહન વાંકાનેર બાઉન્ડરી ટોલ નાકા આગળ રોડ પર રાખી લઘુશંકા માટે ગયા ત્યારે આરોપીઓએ તેઓને લાકડાના ધોકા વડે માર મારી છરી દેખાડીને ફરિયાદીના પાકીટમાં રહેલ રોકડ રૂ. 11,000 તથા એક મોબાઈલ અને ચાંદીની વીંટીની લૂંટ કરી નાસી ગયા હતા. આ કેસના આરોપીઓને પકડવા માટે મોરબી LCB ટીમ તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આરોપીને પકડવા માટે જુદી-જુદી ટીમ બનાવી આજે તા. 28 નવેમ્બરના રોજ આરોપીઓ કનુ અમરાભાઇ વાળા (ઉ.વ. 22, ધંધો મજૂરીકામ, રહે. થાનગઢ વિટકો પોટરી પાછળ, આંબેડકર શેરી નં. 4, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર) તથા ધીરજ કરશનભાઇ ગોહિલ (ઉ.વ. 23, ધંધો-મજૂરીકામ, રહે. થાનગઢ વિટકો પોટરી પાછળ, આંબેડકર શેરી નં. 4, મૂળ ગામ - સોલડી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)ને પકડી તેની પાસેથી લૂંટમાં મેળવેલ રોકડ રૂ. 3000 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ બંને આરોપીઓની સાથે લૂંટ કરવામાં સામેલ આરોપીઓ મુકેશ ઉર્ફે ટારઝન ગોગીયા, ભારત રાજાભાઈ ગોગીયા, શૈલેષ કાનાભાઇ ગોહિલ તથા જગદીશ માસાભાઇ પરમારની શોધખોળ ચાલુ છે.