માલધારી સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને રજુઆત કરી મોરબી : 1965 અને1971 ના વર્ષમાં ભારત- પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં દેશને વિજય આપવા માટે ભારતીય સેના માટે રાહબર બનીને મહત્વનું યોગદાન આપનાર રણછોડભાઈ રબારીના જીવનમાંથી લોકો પ્રેરણા મેળવી શકે તે માટે આ વિરલાની મોરબી શહેરમાં પ્રતિમા મુકવાની માંગ સાથે માલધારી સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. મોરબીના માલધારી સમાજના અગ્રણી મનસુખભાઇ રબારી સાહિતનાએ આજે જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી કે,વર્ષ 1965 અને 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ભારત દેશને વિજય આપવા માટે ઇન્ડિયન આર્મીને દારૂ ગોળો પૂરો પાડી દેશસેવાનું મહત્વનું યોગદાન આપનાર અને રાષ્ટ્પ્રેમી રણછોડભાઈ પગી (રબારી)ની પ્રતિમા મોરબી શહેરની હદમાં મુકવાની માંગ કરી છે.વધુમાં જણાવ્યું હતું કે,દેશ માટે જેમણે બલિદાન આપ્યું છે તેવા શહીદોની પ્રતિમા પુરા ભારત દેશમાં છે. ત્યારે માલધારી સમાજનું ગૌરવ એવા જેણે ભારતના સૈનિકોના રાહબર બનીને બન્ને યુદ્ધમાં ભારત દેશના વિજય માટે પોતાના જાનની બાજી લગાવી દીધી હતી.તેવા વિરલા રણછોડભાઈ રબારીની પ્રતિમા પણ મોરબી શહેરમાં હોવી જઈએ. તેમની પ્રતિમા મુકવાથી નવી પેઢીને તેમના જીવનમાંથી દેશસેવા કરવા માટે પ્રેરણા મળી રહે. જ્યારે હાલ સમગ્ર વિશ્વમાં માલધારી દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે માલધારી સમાજના આ વિરલાની દેશસેવાની યાદી કાયમ રહે તે માટે તેમની પ્રતિમા મોરબીમાં મુકવાની માંગ કરી છે.