વાંકાનેર તાલુકા પોલીસની કાર્યવાહી : પૂછપરછમા અન્ય 3 નામ ખુલ્યા, તપાસનો ધમધમાટ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડા ગામ પાસેથી રૂ. 12 લાખની કિંમતના 326 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે તાલુકા પોલીસે એક શખ્સને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ગારીડા ગામની સીમમાંથી સંજય વેલસીભાઈ ચૌહાણ ઉ.વ. 27 રહે નવાગામ, રાજકોટ વાળાને વિદેશી દારૂની પેટી 326, કુલ દારૂ બોટલ નંગ 3924 કિંમત રૂ. 12,08,400 તેમજ બે બોલેરો અને એક બાઇક સહિત કુલ રૂ. 20,43,400ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો મનસુખભાઇ બાવકુભાઇ ગણદિયા, ભરત ઉર્ફે બંગડી સવાભાઈ સોરાણી અને જયંતીભાઈ રાઘવભાઈ ચૌહાણ બધા રહે. રાજકોટ વાળાઓના નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી તેમને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને જ્યા સપ્લાય કરવાનો હતો તે દિશામાં આગળની તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.