(જાગૃતિ તન્ના 'જાનકી') 'રંગ છે મારો સફેદ મજાનો કેલ્શિયમ ને પ્રોટીનનો હું ખજાનો દરેકને દરેક સ્વરૂપમાં ભલે ન ગમું દરેકને કોઈ ને કોઈ સ્વરૂપે ગમું જાતે તો હું શું કરું મારા વખાણ તમે જ કરી બતાવો મારી ઓળખાણ'....જાનકી તમે બધાએ આ ઉખાણા પરથી ઓળખાણ કરી જ લીધી હશે કે નક્કી આ દૂધ જ હોવું જોઈએ. હવે આ સફેદ રંગ પરથી યાદ આવ્યું કે દરેકને ક્યારેક તો એવો પ્રશ્ન થયો જ હશે કે આ દૂધનો રંગ સફેદ કેમ હોય છે? દૂધનો રંગ આટલો સફેદ એટલે હોય છે કેમ કે દૂધમાં કેસીન નામના પ્રોટીનની હાજરી હોય છે. ગાયના દૂધ કરતા ભેંસના દૂધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેંસનું દૂધ વધુ સફેદ હોય છે. દૂધ આપણી રોજિંદી જિંદગીનો એક અભિન્ન હિસ્સો છે. જેને આપણે કોઈ ને કોઈ સ્વરૂપે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો આજે 26 નવેમ્બરનો દિવસ આપણી જિંદગીમાં મહત્વનો ભાગ ભજવનાર એવા દૂધ માટેનો મહત્વનો દિવસ એટલે કે રાષ્ટ્રીય દૂધ દિવસ છે. જો કે આંતરરાષ્ટ્રીય દૂધ દિવસ 1 જૂન ના રોજ ઉજવવામાં આવે છે. હવે એમ થાય કે આજે 26 નવેમ્બરને જ કેમ રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો હશે, તો ભારતની શ્વેત ક્રાંતિના પિતા ગણાતા ડો. વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર, 1921 ના રોજ થયો હતો. તેમણે ભારતને દૂધની અછતવાળા દેશમાંથી દુનિયાનું સૌથી વધુ દૂધનું ઉત્પાદન કરતો દેશ બનાવ્યો છે. તેમના ડેરી ઉદ્યોગના વિકાસમાં તેમના ગણનાપાત્ર યોગદાનની યાદમાં 26 નવેમ્બરને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ડો. વર્ગીસ કુરિયન સ્નાતક અને ઈજનેરી નો અભ્યાસ પૂરો કર્યા બાદ 13 મે 1949 ના રોજ આણંદ સ્થિત દૂધની સહકારી સંસોધન સંસ્થામાં આવ્યા, ત્યારે ખેડા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ખાનગી પોલસન ડેરી સામે ઝઝૂમી રહી હતી. આવા કપરા સંજોગોમાં તેઓ ઈજનેરી નોકરી છોડીને શ્રી ત્રિભુવનદાસ પટેલ સાથે જોડાયા અને અત્યારે દેશ અને વિદેશમાં પ્રખ્યાત એવી 'અમૂલ' ડેરીનો જન્મ થયો. AMUL stands for Anand Milk Union Limited. અમૂલની સફળતાના પાયા પર રાષ્ટ્રીય દૂધ વિકાસ બોર્ડ - N.D.D.B. અને ગુજરાત કોર્પોરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જેવી સંસ્થાઓ સ્થપાઈ જેનું સુકાન પણ ડો. કુરિયને સંભાળ્યું. ભારતના મિલ્ક મેન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતા ડો. કુરિયને 90 વર્ષની ઉંમરે 9 સપ્ટેમ્બર, 2012 ના રોજ નડિયાદમાં છેલ્લા શ્વાસ લીધા. તેમને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ ઉપરાંત અનેક પુરસ્કારોથી સન્માનિત કરાયેલ છે. આ દૂધ દિવસ ઉજવવા પાછળનું કારણ દૂધ કે જે આપણા જન્મ બાદ આપણો પ્રથમ ખોરાક હોય છે અને તેનાથી બનતા બીજા અનેક ઉત્પાદનો - દહીં, છાશ, માખણ, પનીર, માવો, વગેરેનું આપણી જિંદગીમાં આપણા સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વ છે તે અંગે જાગૃતિ લાવવાનું છે તેમજ આપણને દૂધ અને બીજા ડેરી ઉત્પાદનો પૂરા પાડતા ડેરી ઉદ્યોગોના પ્રયાસોને બિરદાવવા માટે ઉજવવામાં આવે છે. દૂધ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, આપણે આપણી રોજિંદા આહારમાં તેનો સમાવેશ કરવો જ જોઈએ. આ વખતની આંતરરાષ્ટ્રીય દૂધ દિવસની થીમ પણ ' ડ્રીંક મિલ્ક - ટુડે એન્ડ એવરીડે ' એવી રાખવામાં આવી હતી. સવારે દૂધ પીવાથી આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ રહે છે. સાંજના સમયે દૂધ પીવાથી આંખો માટે ફાયદાકારક સાબિત થતું હોય છે. દૂધમાં ટ્રીપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જે ઉંઘના હોર્મોન લેવલને વધારે છે, તેથી રાત્રે દૂધ પીવાથી સારી ઉંઘ આવે છે. - જાગૃતિ તન્ના 'જાનકી'