મોરબી : ગત તા. 23-24 નવેમ્બર 2019ના રોજ બોટાદ ખાતે ગુજરાત સરકાર યુવા સેવા અને સાંસકૃતિક પ્રવૃત્તિ વિભાગ અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી બોટાદ દ્વારા મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી રવાપર રોડ ખાતે દેવેનભાઈ વ્યાસ સંચાલિત કલામંદિર સંગીત કલાસીસના વિદ્યાર્થીઓ ધાનજા મંથન ભરતભાઈ ભજનમાં પ્રથમ, રાજભા રામભા ગઢવી લોકવાર્તામાં પ્રથમ, અધારા ચિંતન રમેશભાઈ લગ્નગીત અને લોકવાદ્ય બંનેમાં દ્વિતીય તેમજ ગઢવી નીતિનભા જયદેવભા લોકગીતમાં દ્વિતીય આવતા ક્લામંદિર સંગીત કલાસીસ તેમજ મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. આ સ્પર્ધા નવ જિલ્લાના સ્પર્ધકો વચ્ચે યોજાઈ હતી. હવે આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં આ તમામ વિદ્યાર્થીઓ મધ્ય ગુજરાત ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત, ગત તા. 21-22 નવેમ્બર, 2019ના રોજ ધ્રાંગધ્રા ખાતે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી સુરેન્દ્રનગર દ્વારા મધ્ય ગુજરાત પ્રદેશકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબીના રવાપર રોડ ખાતે દેવેનભાઈ વ્યાસ સંચાલિત કલામંદિર સંગીત કલાસીસના વિદ્યાર્થી સોનગ્રા અભિ શૈલેષભાઈ લોકવાદ્ય 'બ' વિભાગમાં પ્રદેશકક્ષાએ પ્રથમ આવતા ક્લામંદિર સંગીત કલાસીસના સંચાલક દેવેનભાઈ વ્યાસ તેમજ અભિના સાથી વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવેલ છે. સોનગ્રા અભિ શૈલેષભાઈ હવે આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં મધ્ય ગુજરાત ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.