ડેન્ગ્યુના વધતા કેસને લઈને લજાઈ પીએચસીમાં કાયમી ડોકટરો નિમણૂક કરવાની ગ્રાહક સુરક્ષાના પ્રમુખની રજુઆત ટંકારા : ટંકાર તાલુકાના લજાઈ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ડેન્ગ્યુએ ભારે કહેર મચાવ્યો છે અને લજાઈ સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયમાં 16 વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ત્યારે ડેન્ગ્યુના વધતા કેસ અને રોગચાળો વકરતો હોય ત્યારે લજાઈ ગામનું પીએચસી કેન્દ્રમાં તબીબી સુવિધા ટૂંકી પડતી હોવાથી આ પીએચસીમા ઘટતી તમામ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની માંગ સાથે ગ્રાહક સુરક્ષાના પ્રમુખે રજુઆત કરી છે. ટંકારા તાલુકાના લજાઈ ગામ સહિત આસપાસના ગ્રામ્ય અને વાડી વિસ્તારોમાં ડેન્ગ્યુના રોગોએ ભારે માથું ઊંચક્યું છે અને વાયરલ બીમારીઓનું પ્રમાણ વધ્યું છે.ત્યારે લજાઈ સહિતના ગામોના દર્દીઓ લજાઈ ગામના પીએચસીમા સારવાર લેવા આવે છે.આ પીએચસી કેન્દ્ર હેઠળ 12 થી 14 ગામો આવે છે.આ લજાઈ પીએચસી કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયમાં 16 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.ઓપડીના દર્દીઓનો પણ ભારે ઘસારો રહે છે.પણ આ પીએચસીમા તબીબી સહિતની સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે.આથી ટંકારા શહેર તાલુકા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી કે,લજાઈ સહિતના આસપાસના વિસ્તારોમાં ડેન્ગ્યુનું પ્રમાણ વધ્યું છે.લજાઈ આસપાસના વિસ્તારો માટે લજાઈ ગામનું પીએચસી સેન્ટર જ એકમાત્ર તબીબી સેવાનું કેન્દ્ર છે.પણ આ કેન્દ્રમાં તબીબી સુવિધાનો અભાવ હોય અને તબીબી આધુનિક તકનીકી સુવિધા ન હોવાને કારણે દર્દીઓને ભારે મુશ્કેલી પડે છે.તેથી ડેન્ગ્યુને અટકાવવા માટે લજાઈ પીએચસીમા ફોગીગ મશીન ફાળવવા અને તબીબી સહિત ઘટતી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની માંગ કરી છે.