વાંકાનેર : લીંબડી ગોપાલ સંપ્રદાયના ભોળીયાનાથ ભગવાન રામ ગુરુદેવશ્રીના સુશિષ્ય, શાશનરત્ન પ.પૂ.શ્રી રામઉત્તમકુમારજી મહારાજ સાહેબ આદિ થાણા-૫ તેઓશ્રીની નિશ્રામાં વિચરતા પ્રવચન પ્રભાવિક પ.પૂ. પૂર્ણિયાજી મહાસતીજી તથા પ.પૂ.કીર્તિદાજી મહાસતીજી આદિ સતીરત્નો સાથે તા:૨૧/૧૧/૨૦૧૯ ચતુવીઁઁધ સંઘ સાથે દિવાનપરા થી વાંકાનેર ગામના ઉપાશ્રયે પધારતા અનેક બહેનોએ માથે બેડા ઉપાડી હૈયાની હેલી સાથે ૮૦૦ થી ૧૦૦૦ શ્રાવક શ્રાવિકાઓની હાજરીમાં ગુરુદેવશ્રીનું સામૈયું થયું. ગુરુદેવશ્રીની પધરામણીમાં સોનામાં સુગંધ ભળે તેવો દીક્ષા આજ્ઞા પત્રિકા મહોત્સવ ઉજવાયો. ગામ લાલપુર , જિલ્લો જામનગર, હાલ રાજકોટ રહેતા વૈરાગી ભુપેન્દ્રભાઈ નટવરલાલ આશરા , બ્રહ્મ ક્ષત્રિય ઉ.વર્ષ. ૬૧ ની દીક્ષા આજ્ઞા પત્રિકા અનેક ગામોના સંઘોની ઉપસ્થિતી માં પૂજ્ય ગુરુદેવશ્રીને અર્પણ કરવામાં આવી. વાંકાનેર શ્રી સંઘની યાદીમાં આ આજ્ઞા પત્રિકા મહોત્સવનો લાભ સૌ પ્રથમવાર જ મળેલ તેનો સૌના હૈયે હરખ સમાતો ન હતો. શ્રી સંઘ વાંકાનેર , લાલપુર , જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર , વઢવાણ , લીંબડી, આદિ અનેક સંઘો તરફથી દીક્ષા પ્રસંગ મેળવવા માટે ગુરુદેવશ્રીને વિનંતીઓની રેલમ-છેલ જોવા જાણવા અને અનુભવવા મળી હતી. દિક્ષાર્થીશ્રીનું બહુમાન હાર અને શાલથી શ્રી વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખશ્રી બળવંતભાઈ પટેલે કરેલ હતું તેમજઅનેક મહાનુભાવોનું બહુમાન શ્રી સંઘ ના સેવકો તરફથી કરવામાં આવેલ હતા. આ શાશનનો પ્રસંગ સૌ સારી રીતે માણી શકે તે માટે વાંકાનેર શ્રી સંઘ ના પ્રમુખ બળવંતભાઈ પટેલ , મંત્રી રાજેશભાઇ દોશી સાથે ઉપપ્રમુખ શૈલેશભાઈ દોશી તથા સમિતિના સર્વે સભ્યોએ તથા સંસ્થાની શોભારૂપ યુવા ટીમના શ્રી મનીષભાઈ શાહ , પ્રિયાંક દોશી , મિહીર દોશી, ગૌતમ માથકીય , કેવલ દોશી , અંકિત સંઘવી , નેમીશ શાહ ,પવન સોલાણી એ રાત-દિવસ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગ નું સંચાલન શીતલબેન શાહે ખુબજ સારી રીતે કરેલ હતું. આ શાશન અને સંપ્રદાયના મીઠા-મધુરા પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે સવારની નવકારશી સહિત સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર અને તેરપંથી એમ ચારેય ફિરકાના શ્રાવક - શ્રાવિકાઓ માટે શ્રી વાંકાનેર વિસાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘે બપોરનું નવકારશી જમણ રાખેલ હતું. જેમાં ૧૨૦૦ થી ૧૫૦૦ જૈનોએ પ્રસાદનો લાભ આપેલ હતો.