શાળાએથી પરત ફરતી વખતે રસ્તા પરથી રોકડા રૂપિયા મળી આવ્યા હતા હળવદ: હળવદ તાલુકાના ડુંગરપુર ગામે શાળા પાસેથી પસાર થતાં રોડ પર ગામના જ એક યુવાનના રોકડા રૂપિયા પડી ગયા હતા. આ દરમ્યાન શાળાએથી રીષેસમાં ઘરે જમવા જઈ રહેલા બે ટાબરિયાને આ રકમ ધ્યાને આવતા તેઓએ મળી આવેલ રોકડા રૂપિયા ૧૪૦૦૦ની જાણ શાળાના આચાર્યને કરી હતી. આથી શાળાના આચાર્ય દ્વારા ગામમાં જાણ કરી જેના રૂપિયા હોય તે પુરાવા આપી લઈ જવા જણાવ્યું હતું. આખરે બંને ટાબરિયાઓ દ્વારા મૂળ માલિકને રૂપિયા પરત કરી ઇમાનદારીની મિશાલ કાયમ કરી હતી. રકમ પરત મળી જતા યુવાને બંને બાળકોની ઇમાનદારીની કદર કરતા ૫૦૦/૫૦૦ રૂપિયા આપ્યા હતા અને શાળામાં પણ ૧૦૦૦ હજાર રૂપિયા આપ્યા હતા. હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા દેહરભાઈ કોળી ગામની શાળા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા ૧૪૦૦૦ પડી ગયા હતા. એ દરમ્યાન શાળામાં બપોરે રીસેસ પડતાં કાનો ઠાકોર અને કેવલ ભરવાડ નામના 12 વર્ષની ઉંમરના બે બાળકો ઘરે જમવા જઈ રહ્યા હતા ત્યારે તેઓને રસ્તા પરથી આ રોકડ રકમ મળી આવી હતી. જેથી બંને બાળકોએ ઘરે જમવા જવાના બદલે પહેલા તો શાળાના આચાર્યને રૂપિયા મળ્યાની જાણ કરી હતી. ડુંગરપુર શાળામાં ધોરણ ૭માં અભ્યાસ કરતા કાનો ઠાકોર અને કેવળ ભરવાડ રૂપિયાની વધુ રકમ જોઈ જતા તેના માલિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. શાળાના આચાર્ય પરબતભાઈ રબારીને જેની જાણ થતા આચાર્યએ ગામમાં જણાવ્યું હતું કે કોઈના રૂપિયા ખોવાઈ ગયા હોય તો અમારી શાળાના બાળકોને મળ્યા છે. આથી મૂળ માલિક શાળા ખાતે આવીને લઈ જાય. આ બાબતની દેહરભાઈને જાણ થતાં શાળા ખાતે આવી બન્ને બાળકો દ્વારા મળી આવેલ રૂપિયા સ્વીકાર્યા હતા. દેહરભાઈએ બન્ને બાળકોની પ્રમાણિકતાની કદર કરી બાળકોને ૫૦૦/૫૦૦ રૂપિયા ઇનામ રૂપે આપ્યા હતા, સાથે જ શાળાના વિકાસ માટે પણ ૧૦૦૦ રૂપિયા આપ્યા હતા.