મોરબી : મોરબીની કોર્ટમાં ગઈ કાલે બપોરે પરિસરમાં પાર્ક કરેલી કારના આગળના ભાગે સાપ ઘુસી જતા દોઢેક કલાક સુધી હંગામો થઈ ગયો હતો. જો કે બાદમાં સાપને પકડી સુરક્ષિત જગ્યાએ લઈ જવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કોર્ટમાં સાપ આવી પહોંચ્યો હોય તેવું ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે. સામાન્ય રીતે કોર્ટમાં અરજદારો અને વકીલો, આરોપીઓ અને પોલીસની અવર-જવર રહેતી હોય છે. પણ કોર્ટ પરિસરમાં સાપ ઘૂસ્યો હોવાનો એક કિસ્સો આજે બપોરે મોરબીમાં બન્યો હતો જ્યાં કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલની કારમાંથી સાપ નીકળતા વકીલો તેમજ ઉપસ્થિત લોકોના જીવ થોડી વાર માટે અધ્ધર થઈ ગયા હતા. મોરબીના કોર્ટ કમ્પાઉન્ડમાં એક વકીલે પોતાની કાર પાર્ક કરી હોય જે કારમાં સાપ હોવાનું જાણવા મળ્યું હતું. સાપ કારમાં ક્યાંથી આવ્યો અને કેવી રીતે અંદર ઘુસ્યો તે અંગે અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી એ દરમ્યાન થોડા લોકો કારમાંથી સાપને બહાર કાઢવા માટે મથામણ કરવા લાગ્યા. કોર્ટના પરિસરમાં એકથી દોઢ કલાક સુધી સાપમય માહોલ જોવા મળ્યો હતો. જોકે બાદમાં નિવૃત જમાદાર અકબરભાઈએ સાપને કારમાંથી બહાર કાઢ્યો હતો. જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. સાપને પરિસરમાંથી સુરક્ષિત સ્થળે ખસેડાયો હતો અને કારને વધુ ચકાસણી માટે સર્વિસ સ્ટેશન લઈ જવાઈ હતી.