મોરબી : મોરબી-રાજકોટ વચ્ચે ચાલી રહેલા ફોરલેન રોડના કામમાં ભક્તિનગર સર્કલ પાસે અણઘડ રીતે ડ્રાયવર્ઝન મુકાતા ગત રાત્રી દરમ્યાન એક કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મોરબી-રાજકોટ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ફોરલેન હાઇવે બનાવવાની કામગીરીમાં હાલ તો નાગરિકોને ઠેક ઠેકાણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીતિ- નિયમોને નેવે મૂકીને કરાતી અણઘડ કામગીરીને કારણે ક્યાંક અકસ્માતો સર્જાય છે, તો ક્યાંક ટ્રાફિકજામ થાય છે. આવો જ એક બનાવ ગત રાત્રીના રોજ ભક્તિનગર સર્કલ ખાતે સર્જાયો હતો. રવિવારની રજાને લઈને રાજકોટ-મોરબી વચ્ચે વધુ ટ્રાફિક હતો તેવા સમયે આગળ નીકળી જવાની લ્હાઈમાં વાહન ચાલકો સામસામે આવી જતા એકથી દોઢ કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાયો હતો. અણઘડ રીતે બનાવેલા ડ્રાયવર્ઝનને કારણે આ સમસ્યા સર્જાઇ હોવાનો બળાપો ટ્રાફિકમાં ફસાયેલા લોકો વ્યક્ત કરી રહ્યા હતા. નવા ફોરલેન હાઈવેની સુવિધાનો લાભ લોકોને મળતો થાય તે પહેલાં હાલ તો આ ફોરલેનની કામગીરીને કારણે મોરબીવાસીઓ પરેશાન થઈ રહ્યા છે.