દરરોજ બે - બે કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર લાગે છે મોરબી : મોરબી બાયપાસ નજીક ભક્તિનગર સર્કલ પાસે દરરોજ સર્જાતા ટ્રાફિક જામથી વાહનચાલકો ત્રસ્ત થયા છે. અહીં દરરોજ સાંજના સમયે બે - બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળે છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેથી આ કામની જગ્યાએ આડસ મૂકી દેવામાં આવી છે. સાંજના સમયે મોરબીથી રાજકોટ જવા વાળા તેમજ ફેક્ટરીઓમાંથી છૂટવા વાળા કર્મચારીઓના વાહનોની સંખ્યા વધુ હોવાથી આ જગ્યાએ દરરોજ સાંજે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ છે. અહીં બે-બે કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર લાગતા વાહનચાલકો અકળાઈ ઉઠે છે. બ્રિજનું કામ ચાલી રહ્યું છે. તેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂર કરતાં વધુ જગ્યામાં આડસ મૂકી દેવામાં આવી હોય જેથી રોડની જગ્યા દબાઈ ગઈ છે. જેના કારણે આવક અને જાવક માટે માત્ર સિંગલ પટ્ટી જ રોડ બચ્યો છે. જેના કારણે ભારે ટ્રાફિક થાય છે. આ અંગે ટ્રાફિક શાખાને પૂછતાં તેમને જણાવ્યું હતું કે અહીં સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે ટ્રાફિકનો પ્રશ્ન રહે છે. હાલ પેરીકેટ મુકાવી છે. અને આ ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહયા છે.