મોરબી : 'વિશ્વે સંસ્કૃત' ધ્યેયવાક્ય લઈને ચાલતા સંસ્કૃતભારતી સંગઠન દ્વારા દિલ્હીના છત્તરપુર ખાતે તા. ૭થી ૧૧ નવેમ્બર દરમ્યાન વિશ્વસંમેલનનું આયોજન કરાયું છે. જેમાં વિશ્વના ૨૨ દેશોમાં ચાલતા સંગઠનકાર્યના અનુસંધાને ૭૬ અને ભારતના ૫૯૩ જિલ્લાના સંસ્કૃતનો વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ કરતા દાયિત્વવાન ૪૨૫૦ જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. આ વિશ્વ સંમેલનમાં સંસ્કૃત ભારતી મોરબી જનપદ તરફથી 12 હોદેદારો ભાગ લઇ રહ્યા છે. જેમાં અધ્યક્ષ ડો. બળવંતરાય પંડ્યા, સંયોજક કિંશૉરભાઈ શુક્લ, સહસંયોજક મયુરભાઈ શુક્લ, પ્રચાર-પ્રસાર પ્રમુખ હિરેનભાઈ રાવલ, પ્રચાર-પ્રસાર સહ પ્રમુખ નિલેશભાઈ પંડિત, પત્રાચાર પ્રમુખ ઉષાબેન પંડ્યા, પત્રાચાર સહ પ્રમુખ બળદેવભાઈ કાચરોલા, ગૌરવ પરીક્ષા પ્રમુખ જયદીપભાઈ ઠાકર, બાળકેન્દ્ર સહ સંયોજિકા આશાબેન શુક્લ, ટંકારા તાલુકા સંયોજક મનોરંજન પ્રસાદ, વાંકાનેર તાલુકા સંયોજિકા પાયલબેન ભટ્ટ તથા બાળકેન્દ્ર સંયોજિકા ક્રિષ્નાબેન કેસુરનો સમાવેશ થાય છે. કાર્યક્રમની આગલી સાંજે મણિપુર અને કેરળની યુદ્ધકળાના જીવંત પ્રદર્શન સાથે ઉદ્ઘાટન કરતા રાજ્યમંત્ર કિરણ રીજીજુ એ ભારતની સંસ્કૃતિ, સંસ્કૃત અને અન્ય ભાષાઓનું મહત્વ સમજાવ્યું હતું. સ્થળ પર આયોજિત પ્રજ્ઞાન પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરતાં રાજ્યમંત્રી મુરલીધરને સંસ્કૃત અને વિજ્ઞાન આદિના સમન્વય તરફ ધ્યાન દોર્યું હતું. ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને સંસ્કૃતભારતીના સંસ્કૃત સંભાષણ આંદોલનને સંજીવની સમાન ગણાવી સૌને બિરદાવ્યા હતા. લોકસભા સદસ્ય પ્રતાપચંદ્ર ષડાંગીએ સંસ્કૃતમાં વક્તવ્ય આપી સૌને ભાષાની સરળતા દર્શાવી હતી. સંગઠનના અધ્યક્ષ પ્રો. ડૉ. ભક્તવત્સલ શર્માએ સંસ્કૃતને ભાષા નહિ પણ જીવનશૈલી તરીકે ઓળખાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સંદેશથી કાર્યકર્તાઓનું ઉત્સાહવર્ધન થયું હતું. અહીં અધ્યાપકો, શિક્ષકો, બહેનો, બાળકો સૌએ વાતાવરણને સંસ્કૃતમય બનાવી દીધું છે. જેમાં ગુજરાતના ૧૮૨ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે.