જલારામ બાપાની જયંતિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ રહ્યાં હાજર હળવદ: હળવદમાં લોહાણા સમાજ દ્વારા સમાજના ૧૨૧ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે હળવદ લોહાણા સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. હળવદ શહેરમાં લોહાણા રઘુવંશી સમાજ દ્વારા જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતી નિમિત્તે શહેરમાં આવેલ લોહાણા મહાજન સમાજની વાડી ખાતે વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા નર્સરીથી લઇ કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા. આ સન્માન સમારોહમાં લોહાણા સમાજના અગ્રણી ત્રિભોવનદાસ ત્રિકમજીભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા હાજર વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનીત કરાયા હતા. આ સન્માન સમારોહની સાથે હળવદ લોહાણા સમાજમાંથી સી.એ.ની પદવી મેળવનાર જયેશ કાલરીયા,તબીબી ક્ષેત્રે ડેન્ટલનો અભ્યાસ પૂર્ણ કરનાર ભાવિન અનડકટ, બેન્કિંગ ક્ષેત્રે પાર્થ માનસેતા, તબીબી ક્ષેત્રે એમ.બી.બી.એસ. માટે હાલ વિદેશમાં અભ્યાસ કરનાર વિસ્મય મેંઢાની હળવદ લોહાણા સમાજ દ્વારા વિશેષ નોંધ લઇ સમાજનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે 'જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાના સાનિધ્યમાં હાજર રહેલ સમાજના સૌ અગ્રણીઓ, વડીલો, યુવક યુવતીઓએ મહાઆરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે લોહાણા મહાજન સમાજના પ્રમુખ બાબુલાલ ઠક્કર, રમેશભાઈ પુજારા, મગનલાલ મેંઢા, બકાભાઈ ઠક્કર, પ્રવીણભાઈ પુજારા, દુર્લભજીભાઈ ભીંડોરા, હળવદ વેપારી મહામંડળના પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર, વિમલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદભાઈ ગોવાણી, રાજુભાઈ મેંઢા, રમેશભાઈ અનડકટ, ભાવેશભાઈ મેંઢા, મનીષ દક્ષિણી સહિતનાઓએ ભારે જહેમત ઊઠાવી હતી.