રસોડાની બહાર મારેલા 'નો એન્ટ્રી વિધાઉટ પરમિશન' જેવા પાટિયાં ઉતારી લેવા આદેશ મોરબી : ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આદેશ પ્રમાણે હવે કોઈ પણ હોટેલ કે રેસ્ટોરન્ટના કિચનમાં ગ્રાહક બેધડક જઈ શકે છે. ઉપરાંત ત્યાં કેવી ચીજ વસ્તુ વપરાય છે અને કેટલી ચોખ્ખાઈ છે તે ચેક પણ કરી શકે છે. આ સાથે તમામ હોટેલ અને રેસ્ટોરેન્ટને રસોડાની બહાર લગાવવામાં આવેલા એન્ટ્રી વિધાઉટ પરમિશનના પાટિયા હટાવી દેવા પણ આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગઈકાલે એક પરિપત્ર જારી કરાયો છે. જે મુજબ સામાન્યથી લઈ ને સેવનસ્ટાર હોટેલની રેસ્ટોરાંમાં પણ ગ્રાહકને કિચનમાં જતાં રોકી નહિ શકાય. કોઈપણ ગ્રાહક રેસ્ટોરાં ચાલુ હોય ત્યારે બેધડક તેનાં રસોડાંમાં સ્વચ્છતા, હાઇજિન અને ખોરાકની ગુણવત્તા અંગે જાતતપાસ કરી શકશે. પરિપત્ર મુજબ દરેક રેસ્ટોરાંમાં ફરજીયાત કાચનાં દરવાજા પણ મુકવાના રહેશે, જે થી બહારથી પણ ગ્રાહકો જે-તે રેસ્ટોરાંનું રસોડું જોઈ શકે. આ પરિપત્રમાં વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના સંબંધિત અધિકારીઓને રેસ્ટોરાંમાં જઇ ને રસોડા પર લાગેલાં 'નો એન્ટ્રી'નાં અને 'એન્ટ્રી વિથ પરમિશન ઓન્લી'ના પાટિયાં ઉતરાવી લેવા આદેશ થયો છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે મોરબી શહેરમાં આ નિયમનો અમલ થાય છે કે નહીં. પાલિકા દ્વારા હોટેલો અને રેસ્ટોરન્ટ કિચનની બહાર લાગેલા પાટિયા ઉતરાવીને કાચના દરવાજા અને બારીઓ લગાવવાનો આદેશ આપવામાં આવશે ખરો?