મોરબી : વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા મોરબી આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સાંસદ મોહનભાઇ કુંડારિયા સમક્ષ મોરબીના વિવિધ એસોસિએશને મોરબી શહેરને પાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ કરી હતી. મોરબીને 2013માં જિલ્લો બનાવાયો ત્યાર બાદ મોરબી શહેરનો ચારો તરફથી બહુઆયમી વિસ્તાર વધ્યો છે. રોજગારી તેમજ શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માટે જિલ્લામાંથી લોકો મોરબી શહેર તરફ વળી રહ્યા છે અને આ લોક પ્રવાહ વધતો જ જાય છે ત્યારે પાલિકાનું વ્યવસ્થા તંત્ર લોકોની સુખ-સુવિધા અને પ્રાથમિક તેમજ માળખાગત સુવિધાઓ પુરી પાડવામાં ઉણું ઉતરી રહ્યું છે. આથી લોકોની દુવિધા અને મુશ્કેલીઓ વધી રહી છે. આથી જો શહેરની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો શહેરના સર્વાંગી અને સમતળ વિકાસને બળ મળે. આરબીઆઇના એક રિપોર્ટ મુજબ મોરબી શહેરના લોકોની માથાદીઠ આવક સહુથી વધુ છે. સીરામીક ઉદ્યોગ ક્ષેત્રે મોરબી શહેર વિશ્વમાં બીજા ક્રમાંકે છે. જે 6 લાખ લોકોને પ્રત્યક્ષ અને 3 લાખ લોકોને અપ્રત્યક્ષ રોજગાર પૂરો પાડે છે. સહુથી વધુ ટેક્ષ મોરબી શહેરમાંથી કેન્દ્રને મળે છે ત્યારે મોરબી શહેરની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. રોડ-રસ્તાના ઠેકાણા નથી, ભૂગર્ભ ગટરો ઠેર ઠેર ઉભરાઈ રહી છે. પ્રાથમિક માળખાગત સુવિધાઓનો અભાવ છે. સ્વચ્છતાના ધારાધોરણો જળવાતા નથી અને પાલિકાના અણઘડ વહીવટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા ચગે ત્યારે હવે મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે એક જ શ્રેષ્ટ ઉપાય મોરબીના સર્વાંગી વિકાસ માટે જરૂરી બન્યો છે. મોરબી શહેરની ક્રાંતિકારી સેના, રોટરી કલબ ઓફ મોરબી, મોરબી પેપર મિલ એસોસિએશન, મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, મોરબી સીએ (એસોસિએશન) સીપીઈ ચેપટર અને મોરબી મહેશ્વરી સમાજ સહિતના એસોસિએશને આ બાબતે સાંસદ મોહનભાઇ કુંડારિયાને આવેદન પત્રો આપી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ લોક લાગણી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.