આવતીકાલે અન્ય ખરાબ માર્ગો પર સીએમનો રૂટ રાખવાની લોકોની ઉગ્ર માંગ : પોતાની પોલ ઉઘાડી ન થાય તે માટે વર્ષોની સમસ્યાઓ પર તંત્રએ ઢાંકપીછોડા કર્યા : તંત્રએ રાતોરાત કરેલી કામગીરીથી તંત્ર ધારે તો કોઈપણ સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તેમ હોવાનું પુરવાર થયું મોરબી : મોરબીમાં મુખ્યમંત્રીના આવતીકાલે ગૃરુવારે આગમનને પગલે તંત્ર સફાળું જાગ્યું છે.ખાસ કરીને સામાકાંઠે સીએમના નિર્ધારિત રૂટ પરના રસ્તાના ખાડાનું બુરાણ કરીને યોગ્ય મરામત કરી નાખી છે.જોકે પોતાની પોલ ઉઘાડી ન થાય તે માટે તંત્રએ વર્ષો જૂની સમસ્યાઓ પર ઢાંકપીછોડો કર્યો છે.જોકે તંત્રએ આ રાતોરાત કરેલી કામગીરીથી કોઈપણ સમસ્યા તેના માટે ઉકેલવી આસાન હોવાનું અને નિષ્ઠાનો અભાવ હોવાનું પુરવાર થયું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે ગુરુવારે સવારે મોરબીમાં આવી રહ્યા છે.જેમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે મોરબીના સામાકાંઠે સોઓરડી રોડ પર નવી બનેલી એસપી કચેરીનું લોકાર્પણ અને બાદમાં પંચાસર રોડ ઉપર મહિલા દૂધ ઉત્પાદક મંડળીના ચીલીગ પ્લાન્ટ અને કાર્યાલયનું ખાતમૂહુર્ત થવાનું છે.તેથી આવતીકાલે સવારે પોણા દશ વાગ્યાની આસપાસ તેઓ મોરબી આવી પહોંચશે અને સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં હેલીપેડની વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યાં કાલે મુખ્યમંત્રીના હેલિકોપ્ટરનું ઉતારણ થશે.ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ તંત્ર પોતાની બેજવાબદારીના ક્યાંય છીંડા ન દેખાય તે માટે ઊંધેકાંધ કામગીરીમાં જોડાયું છે. ખાસ કરીને સામાકાંઠે સોઓરડીથી નટરાજ ફાટક સુધીનો સીએમનો નિર્ધારિત રૂટ હોય અને આ રૂટ પરના રસ્તામાં ઠેરઠેર ખાડા ખબડા હોવાથી પોતાની પોલ ઉઘાડી ન પડે તે માટે તંત્રએ આ રોડ પરના તમામ ખાડાઓનું રાતોરાત બુરાણ કરીને ખૂબ જ વ્યવસ્થિત રીતે રોડની મરામત કરી નાખી છે.તેમજ સોએમ જ્યાંથી પસાર થવાના છે તે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડથી સોઓરડી રોડ અને નટરાજ ફાટક સુધી વર્ષોથી સમસ્યાઓના ગંજ ખડકાયા છે.અને સોઓરડી વિસ્તાર તો સમસ્યાઓનું ધર છે.તંત્ર વર્ષોથી અહીંની સમસ્યાઓ ઉકેલવા ભારે લાપરવાહી દાખવે છે.ત્યારે આ વિસ્તારમાં કાલે સીએમ આવવાના હોવાથી તંત્રએ રોડની મરામત કરીને આ વિસ્તારમાં ચોખ્ખાઈ કરી નાખી છે.ત્યારે તંત્રએ કરેલી કામગીરીથી એટલું સિદ્ધ થાય છે કે તંત્ર ધારે તો એક ઝાટકે કોઈપણ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે પણ આળસ અને નિષ્ઠાનો અભાવ છે.જોકે લોકોએ એવક માંગ કરી છે કે,શહેરના વાવડી રોડ,શનાળા અને રવાપર રોડ ચોમાસા બાદ બદતર હાલતમાં છે.તેથી આવતીકાલે સીએમનો આ રોડ પરથી ચલાવો જેથી સીએમને પણ ખબર પડે કે અહીંના રોડની કેવી હાલત છે ? જો આ માર્ગો પર સીએમનો રૂટ રાખવામાં આવે તો તંત્રને ફરજનું ભાન થાય અને કદાચ આ માર્ગોની હાલત સુધરી શકે તેવી લોકોએ લાગણી વ્યક્ત કરી છે.જોકે આવી નિષ્ઠા કાયમ રાખે તો લોકોની વિવધ સમસ્યાઓની પીડામાંથી સદાય રાહત મળી શકે એમ છે.