મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ ઉપસ્થિત રહી સેવાકાર્યને બિરદાવ્યું મોરબી : મોરબીના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવાર દ્વારા ૧૫માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ત્રિવિધ સેવા પ્રકલ્પો યોજાયા હતા. સતત આ બીજા વર્ષના વાર્ષિક પાટોત્સવમાં મેરજા પરિવારે સેવાનું પણ બીડું હાથ ધર્યું હતું. જેમાં મેરજા પરિવારના ડો. ભુમિકાબેન મેરજા, ડો. હાર્દિક પટેલ, ડો. નિલેશ મેરજા,ડો. અરવિંદ મેરજા, ડો. કુર્વી મેરજા, ડો. શ્રધ્ધાબેન પી. મેરજા, ડો. સુકાલીન મેરજા સહીત તમામ ડૉક્ટર્સ ટીમ દ્વારા સમગ્ર નારણકા ગ્રામજનો તથા આસપાસના ગ્રામજનોના મળી કુલ ૨૫૦ દર્દીઓને ફ્રી નિદાન કરી દવાઓ આપી હતી. સાથે રક્તદાન જે મહાદાન છે એ ઉદ્દેશ્યથી આ વર્ષ અમદાવાદ સિવિલ હોસ્પીટલ કેન્સર વિભાગ અને કાન્તીલાલ એ.ન કાસુન્દ્રાના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેરજા પરિવાર સહિત આસપાસના ગ્રામજનો એ બહોળી સંખ્યામાં રક્તદાન કરી ૮૧ બોટલ રક્ત એકત્રિત કરેલ હતું. યજમાન તરીકે માનસરના રજનીશભાઇ મેરજાએ પણ રક્તદાન કરી માનવ તરીકે માનવને ઉપયોગી બનવા સંદેશ પાઠવ્યો હતો. તેમજ ધો.૧૦થી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલ મેરજા પરિવારના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. તેમજ રાજકોટમાં સેવાકીય પ્રવૃતિ આપતા મનહરભાઇ મેરજાનું ભીખાભાઇ ભગાભાઇ મેરજાએ શાલ ઓઢાડી સન્માનિત કરેલ હતા. આ તકે મોરબી-માળિયાના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજા ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, નારણકા મુકામે બહુચરાજી માતાજીના સાંનીધ્યમાં યોજાયેલ ૧૫માં વાર્ષિક પાટોત્સવમાં સામાજીક સેવાનું પણ સ્વરૂપ આપીને ધાર્મિકતાની સાથો-સાથ લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી રક્તદાન તેમજ સર્વરોગ નિદાન કેમ્પ યોજીને માનવ સેવાનું ભારે મોટું કાર્ય કર્યું છે એને હું બિરદાવું છું. તેમજ નારણકા ગામના સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજાએ પ્રશંસનીય સેવાકાર્ય બદલ કાર્ય બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળાના આરોગ્ય કર્મચારી ડી. ડી. ડાભી તથા નેહાબેને નારણકા ગામમાં મચ્છરજન્ય રોગ જેવા કે ડેન્ગ્યુ અને મેલેરિયા વિષે પાટોત્સવમાં સર્વને માહિતી આપી ડેન્ગ્યુ મચ્છરના પોરા બતાવીને લોકો માહિતગાર કર્યા હતા. તેમજ સમસ્ત ગ્રામજનોને પાણીના ટાંકા ઢાંકીને રાખવા, પક્ષીકુંડ/ટાયર સાફ રાખવા ગંદકી ન કરવા ઉપસ્થિત બહોળી સંખ્યામાં લોકોને આરોગ્ય શિક્ષણ આપેલ હતું.