મૃતક યુવાન પાલિકાની ડ્રેનેજ શાખામાં છેલ્લા 2 વર્ષથી કામ કરતો હતો મોરબી : મોરબીના વીસી ફાટક પાસે આજે સવારે ટ્રેન હડફેટે એક અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ પોલીસને આ યુવાનની ઓળખ મળી ગઈ છે. મૃતક યુવાન પાલિકાની ડ્રેનેજ શાખામાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની વીસી ફાટક નજીક આજે સવારે પસાર થઈ રહેલી ટ્રેન હડફેટે એક યુવાન ચડી જતા તેનું ધટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે રેલ્વે પોલીસને જાણ થતા રેલ્વે પોલીસે સ્થળ પર પહોચીને મૃતક યુવાનનું ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. તપાસના અંતે આ યુવાન સાજનકુમાર રાજુભાઇ જાદવ ઉ.વ.29 રહે. નડીયાદ પાસે હોવાનું ખુલ્યું હતું. વધુમાં આ યુવાન છેલ્લા 2 વર્ષથી નગરપાલિકાની ડ્રેનેજ શાખામાં કામ કરતો હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર ટ્રેનની હડફેટે આવતા આ યુવાનના શરીરના બે કટકા થઈ ગયા હતા. જો કે તપાસમા આ બનાવ આપઘાતનો હોવાના પ્રબળ સંકેતો મળી રહ્યા છે. હાલ આ મામલે એએસઆઈ રતિલાલ પટેલ તપાસ ચલાવી રહ્યા છે.