મોરબી : મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઇ ગડારાના પિતા જીવરાજભાઈ ગડારાને ૧૦૦ વર્ષ પુરા થતા તેમના વતન ડાયમંડનગર ખાતે ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવ દરમિયાન યોજાયેલા ડાયરામાં જે આવક થઇ હતી તે તમામ રકમ ડાયમંડનગર ગામમાં આવેલ ગૌશાળામાં ગાયોના લાભાર્થે આપવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, વર્તમાન સમયમાં ખોટો આહાર લેવાથી અને અનિયમિત જીવનના કારણે લોકો રોગનો ભોગ બને છે ત્યારે મોરબી નજીકના ડાયમંડનગર ખાતે રહેતા અને આજીવન ગૌ શાળામાં ગાયોની સેવા કરીને ખેતી સાથે જોડાયેલા રહીને સાદુ જીવન તેમજ સાચો ખોરાક ખાઇને ૧૦૦ વર્ષે પણ નિરોગી રહેલા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા અને ઉદ્યોગપતિ બાબુભાઇ ગડારાના પિતા જીવરાજભાઇ ગડારાના જન્મ દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો, ગડારા પરિવારના સભ્યો, ગ્રામજનો સહિતના લોકોની હાજરીમાં કેક કટિંગ કરીને જીવરાજભાઈ ગડારાના ૧૦૦માં જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. કેક કટિંગ બાદ ગુજરાતના પ્રખ્યાત કલાકાર કિર્તિદાનભાઇ ગઢવી અને હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાનો ડાયરોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે ડાયરામાં આવેલ તમામ રકમ ગામની ગૌ શાળામાં ગાયોના લાભાર્થે આપવાનો ગડારા પરિવારે નિર્ણય કર્યો હોવાનું સિરામિક ઉધોગપતિ અને રાઘવજીભાઇના નાના ભાઇ બાબુભાઇ ગડારાએ જણાવ્યુ હતુ.