મોરબી : મોરબીના ઉમિયા નગર વિસ્તારના રહીશો દ્વારા ઉભરાતી ગટરની સમસ્યાનું નિવારણ લાવવા અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆત મુજબ શહેરના સામા કાંઠે આવેલા ઉમિયા નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાય છે અને પાણી ઘરોમાં ઘુસી જાય છે. આ વિસ્તારમાંથી બહાર નીકળતી મુખ્ય ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી બ્લોક થયેલ છે. જેથી, સોસાયટીના રહીશો ગટરના પાણીથી ત્રાહિમામ છે. તેના કારણે પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની બીક છે.ઉમિયા નગર વિસ્તારના આગેવાનો દ્વારા રહીશોની સમસ્યાનું તાત્કાલિક ધોરણે તથા સારું પરિણામ લાવવાની અપેક્ષા સાથે મોરબીના કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા સરપંચને અરજી કરવામાં આવી હતી.