ત્રણ વર્ષથી રિસામણે બેસેલી પત્નીને મળવા સસરાને ઘેર જઈ પતિએ હુમલો કર્યો મોરબી : મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનની પત્ની છેલ્લા ત્રણ વર્ષથી શહેરના વિસીપરા વિસ્તારમાં માવતરે રિસામણે બેઠેલ હતી. આથી યુવાન વીસીપરા વિસ્તારમાં તેના સસરાના ઘરે ગયો હતો ત્યારે પત્ની અને સાસુએ તેની સાથે બોલાચાલી કરતા ઉશ્કેરાઈ ગયેલા યુવાને તેની પત્ની અને સાસુને છરીને ઘા ઝીકી દીધા હતા. ઇજાગ્રસ્ત મહિલાએ તેના પતિ સામે ફરીયાદ નોંધાવી છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે શહેરના વીસીપરા વિસ્તારમાં મહાકાળી ઓઇલ મીલ પાસે રહેતા શીતલબેન સુનિલભાઈ કાથરાણીએ તેના પતિ સુનિલભાઈ રમેશભાઈ કાથરાણી રહે, લાતી પ્લોટ વાળા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે તેના પતિ સાથે તેઓને મનમેળ ન હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી તેઓ તેમના માવતરે વીસીપરા વિસ્તારમાં રહે છે. જેનો ખાર રાખીને સુનીલભાઇ ગઈકાલે તેઓના ઘરે આવ્યા હતા અને ફરિયાદી શીતલબેન તેમજ તેની માતા મંજુબેન સાથે સુનિલભાઈએ બોલાચાલી કરી હતી. ત્યારબાદ છરીના ઘા ઝીક્યા હતા. જેથી પોલીસે મહિલાની ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.