માર્ચમાં બેન્ડની સુરાવલી વચ્ચે મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા મોરબી : મોરબીમાં આજે રાષ્ટ્રીય એકતા દીવસ નિમિતે માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચનું પદાધિકારીઓ અને અધિકારીઓએ લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. બાદમાં આ માર્ચ શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. માર્ચમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતીએ આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મોરબીમાં પણ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો હતો. જેમાં એક માર્ચ પાસ્ટનું આયોજન કરાયું હતું. આ માર્ચ પાસ્ટનું જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, અધિક જિલ્લા કલેકટર કેતન જોશી અને ડેપ્યુટી કલેકટર ખાચરે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ માર્ચ પાસ્ટમા બેન્ડની સુરાવલી સાથે મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. માર્ચ નવા બસ સ્ટેન્ડની સામે આવેલ સરદાર વલ્લભભાઈની પ્રતિમાથી શરૂ થઈ હતી અને પાલિકા કચેરીએ પૂર્ણ થઈ હતી.