પડતર પ્રશ્ને સરકારે ઉદાસીન વલણ દાખવતા વીજ કર્મચારીઓએ તબક્કાવાર લડતનું એલાન કર્યું મોરબી : અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જિનિયર એસોસિએશન દ્વારા ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા ઉર્જા ખાતાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓના સમૂહને લગતા લાભો અને હક્કો માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી વડોદરાને આપેલ નોટિસ અન્વયે તા. 1.નવેમ્બરને લાભ પાંચમના શુભ દિવસે આંદોલનનો પ્રારંભ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.જેમાં મોરબીની પીજીવીસીએલ કચેરી ખાતે તા.1 નવેમ્બરથી વીજ કર્મચારીઓ તબબકાવાર આંદોલન ચલાવશે અને 20મીએથી અચોકસ મુદતની હડતાલ પાડવાની ચીમકી આપવામાં આવી છે. આ લડત કરતા પહેલા ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા એક વર્ષથી વધુ સમય સુધી રજૂઆતો અને ચર્ચા કરી ઉર્જાખાતા ના કર્મચારીઓને સાતમા વેતન પંચ મુજબ એલાઉન્સ, એચ આર એ, જીએસ ઓ 4 મુજબ ખૂટતો સ્ટાફ અને કામન પ્રમાણમાં વધારાનો સ્ટાફ રજાના પૈસા રોકડમાં ચૂકવવા, મેડિકલના લાભો આપવા, અને અન્ય લાભો આપવાની જે માંગણી કરી હતી તે અંગેની સતત રજૂઆતો કરવામાં આવી હતી.પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક અભિગમ કે અમલવારી માટે કોઈ કાર્યવાહી નહીં કરી અને મિટિંગમાં ચર્ચા કરવા કે લેખિત પ્રત્યુતર આપવાની પણ કોશિશ કરી નથી. જેથી સાતેય કંપનીઓના કર્મચારીઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે.જેના પરિણામે આખરે લડત કરવામાટે નોટિસ આપવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો નક્કી કરવમાં આવ્યા છે.જે પૈકી તા.1 નવેમ્બરે લાભ પાંચમના શુભ મુહૂર્તના દિવસે જેટકો,જીસેક અને ડિસ્કોમ કંપનીઓના ડીવીઝન, સર્કલ, ઝોનલ ઓફિસ અને નિગમિત કચેરી સામે સાંજે 6.10 પછી સુત્રોચારના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને ઇજનેરો હાજરી આપી વિરોધ નોંધાવશે. ગુજરાતની પ્રજાને દીપાવલીના તહેવારમાં વીજ વિક્ષેપના થાય તેવા શુભ આશયથી આંદોલન દિવાળીના તહેવાર પછી નિર્ધારિત કર્યું છે .જે વીજ કર્મચારીઓ અને અધિકારીઓની સાચી નિષ્ઠા દર્શાવે છે, પરંતુ ઉર્જા ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓની સાચી વ્યાજબી અને ન્યાયિક માંગણીઓ પરત્વે મેનેજમેન્ટના સતત નકારાત્મક અભિગમ ના કારણે આંદોલન અનિવાર્ય બન્યું છે.આ અંગે ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ વતી બળદેવ.એસ.પટેલ,બી.એમ. શાહ,ગીરીશભાઈ જોશી,આર. બી. સાવલિયા,મહેશ. એલ.દેશાણીએ જણાવ્યું હતું કે, મોરબીની પીજીવીસીએલ કચેરી ખાતે તા.1 નવેમ્બરે લડતનો પ્રારંભ થશે.જેમાં વીજ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવીને વિરોધ કરશે.તેમજ તા.8ના રોજ કાળી પટ્ટી ધારણ કરીને આવેદનપત્ર આપવામાં આવશે અને તા.14ના રોજ માસ સીએલ તથા તા.20મીએથી અચોકસ મુદતની હડતાલ કરવામાં આવશે.