મોરબી ભાજપ મહિલા મંડળના પ્રમુખ મંજુલાબેન દેત્રોજાના પુત્રવધુનું લક્ષ્મી પૂજન કરાયું મોરબી : 'यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवता:' અર્થાત 'જ્યાં નારીનું પૂજન થાય છે, ત્યાં દેવતાઓ વાસ કરે છે'. આ સુવાક્ય હિંદુ સંસ્કૃતિમાં નારીના માહાત્મ્યને દર્શાવે છે. છતાં આજના આધુનિક સમયમાં સરકાર દ્વારા 'દીકરો-દીકરી એક સમાન', 'બેટી બચાવો, બેટી પઢાવો' જેવા સૂત્રો મહિલાઓના સમાન અધિકાર અંગે લોકોને જાગૃત કરવા માટે જાહેર સ્થળોએ મુકવા પડે છે. ત્યારે દીકરી જન્મના વધામણાં, ધન-તેરસના દિવસે દીકરી - પુત્રવધુનું પૂજન જેવી સકારાત્મક ઘટનાઓ 'નારી તું નારાયણી' સૂત્રને સાર્થક કરે છે. મોરબી ભાજપ મહિલા મંડળના પ્રમુખ મંજુલાબેન દેત્રોજા હંમેશા મહિલા સશક્તિકરણના કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવતા મંજુલાબેન દેત્રોજાએ ગત તા. 27 ઓક્ટોબરના રોજ દિવાળીના દિવસે ચોપડા પૂજન સમયે ગૃહલક્ષ્મી સમાન પુત્રવધુનું લક્ષ્મી પૂજન કરી મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતી. મોરબીના કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અમુભાઈ દેત્રોજા તથા તેમના પત્ની મંજુલાબેન દેત્રોજાએ દિવાળીના દિવસે રાત્રે ચોપડા પૂજન સમયે ગૃહલક્ષ્મી પુત્રવધુ સૃષ્ટિબેન દેત્રોજા, જેમની લગ્ન પછી પ્રથમ દિવાળી હોવાથી તેમના પગ ધોઈ, લલાટે ચાંદલો કરી પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે સર્વે કુટુંબીજનોએ પુત્રવધુ પુજનની પહેલની પ્રસંશા કરી હતી. તેમજ મંજુલાબેન દેત્રોજાએ સંયુક્ત પરિવારમાં પરિવારભાવના જળવાય રહે તથા પરિવારમાં પુત્રવધુએ સાક્ષાત માતા લક્ષ્મી સમાન છે તેવો સમાજમાં સંદેશ આપ્યો હતો.