30થી વધુ લોકો પાસેથી સરેરાશ 85 હજાર લેખે લાખો ઉઘરાવી લીધા : તંત્રનું ભેદી મૌન મોરબી : મોરબીમાં આવાસ યોજના નામે લોકોને ખંખેરી લેવાનું કારસ્તાન બહાર આવ્યું છે. જેમાં જે લોકોને કશી જ ગતાગમ ન પડતી હોય તેવા અભણ લોકોને કોઈ ચોક્કસ ચીટર ટોળકી ટાર્ગેટ કરે છે. જેમાં આવાસ યોજનાના નામે મકાન આપી દેવાની લાલચ આપી રૂ.85 હાજર પડાવી લે છે અને આ નાણાંની પહોંચ પણ આપે છે. આશરે 30 જેટલા લોકો આવી ટોળકીની કરતૂતના ભોગ બન્યા છે અને ભોગ બનનાર લોકોએ પાલિકામાં જઈને રજુઆત પણ કરી હતી.ત્યારે તંત્ર ખુદ ચોકી ઉઠ્યું હતું. મોરબી નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઘર વિહોણા લોકોને મકાન આપવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે અમુક લેભાગુ તત્વોનુંપણ આવાસ યોજનાના નામે લોકો પાસેથી નાણા પડાવી લેવાનું ભોપાળુ બહાર આવ્યું છે. આવી ચીટર ટોળકીની કરતુતનો ભોગ બનનાર લોકોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ અમુક લેભાગુ તત્વો પોતાનો બદઈરાદો પાર પાડવા માટે અભણ અને અજ્ઞાન લોકોને ટ્રાગેટ કરીને શીશમાં ઉતારે છે. લેભાગુ તત્વો અભણ લોકોને આવાસ યોજનાના ફ્લેટ આપી દેવાની લાલચ આપીને રૂ.85 હજાર પડાવી લે છે. ત્યારે નાની બજાર વિસ્તારમાં રહેતા સાતથી આઠ લોકો પાસેથી રૂ.85 હજાર પડાવી લીધા છે. આ ભોગ બનનાર લોકો થોડા દિવસો પહેલા પાલિકામાં રજુઆત કરવા દોડી ગયા હતા.તેમની રજુઆત સાંભળીને તંત્ર ચોકી ઉઠ્યું હતું. લેભાગુ તત્વો રૂ.85 હજારની પહોંચ પણ આપે છે. જેમાં મુખ્યમંત્રી યોજનાનો સિક્કો અને નગરપાલિકાનો સિક્કો પણ મારેલો જોવા મળે છે. જાણવા મળતી વિગતો મુજબ આ ચીટર ટોળકીની કરતુંતનો આશરે 30 જેટલા લોકો શિકાર બન્યા છે. જો કે ભોગ બનનાર લોકોએ પાલિકામાં રજુઆત કરી ત્યારે તંત્રએ આ અમારી પહોંચ નથી અને અમે ક્યારેય રોકડા સ્વીકારતા જ નથી તેવું કહ્યું ત્યારે ભોગ બનનાર લોકોને છેતરાયા હોવાની ખબર પડી હતી અને હવે અંગે પોલીસ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે. જ્યારે આ અંગે ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યું હતું કે સરકારની સ્કીમ આધારિત તંત્ર ચુસ્તપણે નિયમોનું પાલન કરીને ઘરવિહોણાં લોકોને મકાન ફાળવે છે. જ્યારે આ લોકોને કોઈ લેભાગુ તત્વોએ છેતર્યા છે.જ્યારે તંત્ર દ્વારા મુખ્યમંત્રી યોજનાનું કામ પણ હજુ બાકી છે અને ડ્રો પણ થયો નથી. જ્યારે રોકડા લેનાર ઠગ ઠોળકી હોઈ શકે છે.તેમણે આ અંગે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે.