ટંકારા : દિવાળીના તહેવારોને લઈને ટંકારા પોલીસે શહેરમાં કાયદો વ્યવસ્થા સુપેરે ચાલે એ માટે શહેરમા પગપાળા ફરીને વેપારીઓ અને વાહન ચાલકોને જરૂરી સૂચન-માર્ગદર્શન આપ્યું હતું. આ ફુટ પેટ્રોલીંગ દરમ્યાન વેપારીઓ અને નગરજનોને ટ્રાફિકને લઈને સુચનાઓ આપી હતી તેમજ પ્રજામાં પોલીસની સક્રિયતા દર્શાવવા અને સુરક્ષાનો ભરોસો આપવા સાર્થક પ્રયાસ કર્યો હતો. મહિલા ફોજદાર એલ. બી. બગડા સહીતના સ્ટાફે મેઈન બજાર, દયાનંદ સરસ્વતી ચોક, ડેરીનાકા, લતીપર ચોકડી ખાતે પેટ્રોલીંગ કર્યુ હતું. દિવાળીના તહેવારોને અનુલક્ષીને ટંકારાની બજારોમાં ખરીદી માટે છેલ્લા દિવસોમા ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. કાપડ, રંગોળી, કલર, રેડીમેઈડ કપડા, પગરખાં, ઘરેણાં, સુશોભન સામગ્રી સહીતની બજારો ધમધમી રહી છે, ત્યારે ટંકારા PSI એલ.બી. બગડાની આગેવાની હેઠળ પોલીસ મથકેથી નગરનાકા, મેઈન બજાર, રાજબાઈ ચોક, ડેરીનાકારોડ અને લતીપર ચોકડીએ ફુટ પેટ્રોલીંગ કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન આડેધડ ખડકેલા બાઈકો સહિત અન્ય વાહનચાલકોને તહેવાર દરમિયાન ટ્રાફિક નિયમન જાતે જ કરવા સલાહ સુચન કરી વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરી હતી.