તંત્રએ રાત્રે દરોડા પાડીને કાર્યવાહી કરી પરંતુ બાદમા બીજે દિવસે સવારથી ફરી મંજૂરી વગર ચાલતા ફટાકડાના સ્ટોલો રાબેતા મુજબ જ ચાલવા લાગ્યા મોરબી : મોરબીમાં દિવાળી નિમિતે આડેધડ નીતિ નિયમોને નેવે મૂકીને મંજૂરી વગર ઠેરઠેર ફટાકડાના સ્ટોલો ખડકાઈ ગયા છે.જોકે તંત્રએ ગતરાત્રે આવા ગેરકાયદે ફટાકડા સ્ટોલો સામે તવાઈ ઉતારી હતી.પણ તંત્રની આ કાર્યવાહી નર્યું ડીંડક જેવી જ રહી હતી અને એક જ દિવસમાં તંત્રની કાર્યવાહીનું સુરસુરીયું થઈ ગયું હતું.આજે રાબેતા મુજબ ફટાકડાના સ્ટોલ ધમધમવા લાગ્યા છે જોકે સામે તંત્રએ આજે સાંજે ફરી દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મોરબીમાં દિવાળી આવતાની સાથે ઠેર ઠેર જાહેરમાં આડેધડ મંજૂરી વગરના ફટાકડાના સ્ટોલ ખડકાયા છે. નીતિ નિયમોની જરાય પરવા કરતા ન હોય તેમ ઘણી જગ્યાએ જાહેર રોડ પર ફટાકડાના સ્ટોલ ખડકાયા હોવાથી આગની મોટી દુર્ઘટના સર્જાઈ તેવી ભીતિ સેવાઇ રહી છે.ત્યારે તંત્રએ રહી રહીને ગતરાત્રે કાર્યવાહી હાથ ધરી હતી.ગઈકાલે રાત્રે મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ સહિતના સ્ટાફે ગેરકાયદે ફટાકડા સ્ટોલ સામે કાયદાનો દંડો પછાડ્યો હતો.પણ તંત્રની આ કાર્યવાહી માટે કહેવા પૂરતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.કારણકે ,અગાઉથી તંત્રની કાર્યવાહીની ખબર પડી જતા ફટાકડા સ્ટોલમાં બધું જ સગેવગે થઈ ગયું હતું અને તંત્રને કશું જ હાથ લાગ્યું ન હતું. જોકે તંત્રએ એવું કહ્યું હતું કે, આ દરોડાની કાર્યવાહી અવિરતપણે ચાલુ રહેશે.પણ આજે સવારે ખાસ્સો સમય થવા છતાં તંત્ર કાર્યવાહી માટે ક્યાંય ન ડોકાતા ફરી રાબેતા મુજબ ફટાકડાના સ્ટોલ ધમધમવા લાગ્યા છે અને રાબેતા મુજબ તમામ જગ્યાએ ફટાકડા સ્ટોલમાં બેરોકટોક ફટકડાનું વેચાણ થઈ રહ્યું છે.જયારે આ બાબતે મામલતદારે કહ્યું હતું કે, ચીફ ઓફિસર અને પોલીસને ફટાકડા સ્ટોલ હટાવી લેવાની સૂચના આપી છે.તેમ છતાં તંત્ર દ્વારા આજે રાત્રે ફરીથી ફટાકડા સ્ટોલ પર કાર્યવાહી કરવામાં આવશે જો કે તંત્રએ અગાઉ જણાવ્યા પ્રમાણે આજે સાંજના સમયે ફરી એક વખત મંજૂરી વગર ધમધમતા ફટાકડાના સ્ટોલ ઉપર દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે બે વખત દરોડા પાડ્યા બાદ મંજૂરી વગર ધમધમતા ફટાકડાના સ્ટોલ ચાલુ રહેશે કે બંધ થશે?