13 હજાર હેકટરથી પણ વધુ વાવેતરને વરસાદના કારણે નુકશાની : દિવાળી પૂર્વે જ સર્વેનું કામ પૂર્ણ થઈ જશે મોરબી : મોરબી જિલ્લામાં ચોમાસામાં પડેલા ભારે વરસાદને કારણે પાકને નુકશાન પહોંચ્યું હતું. ત્યારે આ નુક્શાનીનો સર્વે હાલ પૂર્ણતાને આરે પહોંચ્યો છે. હાલની સ્થિતિએ 388 ગામોમાં સર્વે કરતા 13 હજાર હેકટરથી પણ વધુ વાવેતરને વરસાદના કારણે નુકશાની થઈ હોવાનું સામે આવ્યું છે. જેના માટે રૂ. 21.12 કરોડની સહાયની સરકારમાં દરખાસ્ત પણ કરવામાં આવી છે. સર્વેની આ કામગીરી દિવાળી પૂર્વે જ પૂર્ણ થઈ જવાની છે.મોરબી જિલ્લામા ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોના પાકને ખૂબ નુકશાન પહોંચ્યું હતું. જેથી ઓગસ્ટ માસમાં થયેલી નુકશાની માટે 9 ટીમોએ 95 ગામોમાં સર્વેની પ્રક્રિયા હાથ ધરી હતી. આ મહિનામાં આમરણ પંથલમાં સૌથી વધુ નુકશાન નોંધાયું હતું. અહીં 28, 323 હેકટર અસરગ્રસ્ત વિસ્તારમાંથી 23, 250 હેકટર વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન ધૂળકોટ ગામના લોકોએ સર્વે કરવા સામે મનાઈ ફરમાવી દીધી હતી. પરંતુ બાદમા તેઓએ ફરી સર્વે કરવાની માંગ કરતા હવે આ વિસ્તારમાં સર્વે કરવામાં આવશે. સર્વે દરમિયાન 8940 ખેડૂતોએ 8472 હેકટર જમીનમાં કરેલા વાવેતરને 33 ટકાથી વધુ નુકશાન પહોંચ્યું હોવાનું નોંધાયું છે. આ માટે કુલ રૂ. 11.48 કરોડની ગ્રાન્ટ પણ માંગવામાં આવી છે. જ્યારે સપ્ટેમ્બર માસમાં પડેલા ભારે વરસાદથી થયેલી નુકશાની માટે 18 ટીમોએ 293 ગામોમાં સર્વે હાથ ધર્યો હતો. આ મહિનામાં ટિકર, માનગઢ અને સુરવદરમા સૌથી વધુ નુકશાની થઈ હતી. હાલ 35 હજાર હેકટર અસરગ્રસ્ત વિસ્તારમાંથી 26 હજાર હેકટર વાવતેરનો સર્વે ચાલુ છે. જેમા 4895 ખેડુતોએ કરેલા 4831 હેકટર વાવેતરને નુકશાન પહોંચ્યું હોવાનું નોંધાયું છે. અહીં 33 ટકાથી વધુ નુકશાન નોંધાયું છે. જેથી 9.64 કરોડની સહાય માટે માંગણી કરવામાં આવી છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી ગજેરાએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમા ગત ચોમાસામાં 13 હજાર હેકટરથી વધુ વાવેતરને વરસાદના કારણે નુકશાની પહોંચી છે. આ સર્વેની કામગીરી હાલ પૂર્ણ થવા ઉપર છે. ખેડુનોને નુક્શાનીનું વળતર તાત્કાલિક કરવામાં આવે તેવી તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે. હાલ સર્વેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યાં જ્યા કામગીરી બાકી છે. ત્યાં દિવાળી યુર્વે જ સર્વેની કામગીરી પુર્ણ થઈ જશે.