બીજી વખત દરોડા પડ્યા બાદ પણ સ્ટોલ ફરી ચાલુ થઈ ગયા : ધમધમતી બજારોમાં ફટાકડાના સ્ટોલ જોખમી ગણાવીને તંત્રએ ફટાકડાના સ્ટોલધારકોને સલામત જગ્યા પસંદ કરવાની સલાહ આપી મોરબી : મોરબીમાં આજે રાત્રે ફટાકડાના સ્ટોલો ઉપર તંત્ર દ્વારા બીજી વખત દરોડા પાડવામા આવ્યા હતા. તેમ છતાં બાદમાં ફરી સ્ટોલ ધમધમવા લાગ્યા હતા. ત્યારે તંત્રએ સ્ટોલધારકોને ખુલ્લી સલામત જગ્યાએ સ્થળાંતર થઈ જવાની સલાહ આપી હોવાનું જાણવા મળ્યું છે. આ માટે હાલ તંત્રએ સ્ટોલધારકોને આવી જગ્યા પસંદ કરવા માટે પણ સૂચના આપી દીધી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં મંજૂરી વગર ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ભારે ભીડ ધરાવતા વિસ્તારમાં ધમધમતા હતા. જે જોખમી હોવાથી પાલિકા, મામલતદાર અને પોલીસ તંત્ર દ્વારા ગઈકાલે દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. જો કે આ દરોડા બાદ આજે સવારથી જ સ્ટોલ ફરી શરૂ થઈ ગયા હતા. જેથી તંત્ર દ્વારા આજે સાંજથી રાત દરમિયાન ફરી દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી પૂર્ણ થયે ફરી સ્ટોલ ધમધમતા થઈ ગયા હતા. આમ તંત્રને પણ આ દરોડાની કામગીરીમા પરસેવો છૂટી ગયો હતો. અંતે તંત્રએ ખુલ્લી અને સલામત જગ્યાએ આ ફટાકડાના સ્ટોલોને ખસેડવા માટે તૈયારી દર્શાવી દીધી છે. આ પ્રકારની જગ્યા શોધવા માટે સ્ટોલધારકોને જિલ્લા કલેકટર જે.બી. પટેલ અને અધિક કલેકટર કેતન જોશી દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.