ટંકારાના હડમતિયામાં પ્રાચીન સંસ્કૃતિની ધરોહર સમા મંદિરમાં વડીલોની સાથે યુવાનો અને બાળકો પણ પ્રભાતીયાનું ગાન કરે છે ટંકારા : વર્ષો પહેલા વહેલી પરોઢે આવતા અમુક અવાજ હવે માનવના માનસપટ પર વિસરાય ગયા છે. જેવા કે દરણા દળાતી ઘંટી, છાશ વલોવતા વલોણાં, પંખીઓના મીઠા કલરવ, ગામના ગોંદરે ગાયના ભાંભરડા, મંદિરના ઘંટડીના આવાજ, પરોઢીએ પનિહારીના બેડાના આવાજ સાંભળવા દુર્લભ થઈ રહ્યા છે ત્યારે વર્ષોથી રોજ સવારે હડમતિયાના પ્રાચીન રામજી મંદિરે પ્રભાતિયાંના મીઠા સુર સાંભળીને શ્રી હરિનુ મન હરી જાય તેવા પ્રભાતીયાનુ ગાન થઈ રહ્યુ છે. રામજી મંદિરમાં વહેલી પરોઢે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જળ કમલ છાંડી જાને બાળ, મારુ રે પિયરીયું માધવપુરમા, પઢો રે પોપટરાજા રામના જેવા પ્રભાતિયાં ગાઈને ભગવાનને જગાડાવવામાં આવે છે. સવારે દર્શન સમયે નરસિંહ મહેતા, મીરાબાઈ રચીત પ્રભાતીયાનું સુંદર લયથી ગાન કરવામા આવે છે. પ્રભાતિયાં ગાવાની પ્રાચીન ભારતીય સંસ્કૃતી આજના સમયમાં ભુલાય રહી છે ત્યારે પ્રભાતિયાની પરંપરા જાળવી રાખવા માટે યુવાનો, બાળકો, બુઝુર્ગો વહેલી સવારે રામજી મંદિરે આલ્હાદક આવાજમા પ્રભાતિયાંનું ગાન કરી ભગવાનની ભક્તિ કરે છે. ઉલ્લેખનીય છે કે આજની યુવા પેઢી પ્રાચીન સંસ્કૃતિથી વિમુખ થઇ રહી છે ત્યારે અહીં વડીલોની સાથે બાળકો અને યુવાનો મંજીરા, તબલા જેવા સંગીતના સાધનો વગાડી ભગવાનની ભક્તિ કરવામા લીન જોવા મળે છે તે ગર્વની બાબત છે.