મોરબી : દીપોત્સવી પર્વમાં ઘરના આંગણે વર્ષોથી મનમોહક રંગોળી દોરવાનું અનેરું મહત્વ છે. જો કે આ કલાત્મક રંગોળી દોરવાની સાથે તેમાં જીવન ઉપયોગી મેસેજ પણ આપવામાં આવે છે. ત્યારે દીપોત્સવી તહેવારોનો પ્રારંભ થતાની સાથે દરેક ઘરના આંગણા કલાત્મક અને મનમોહક રંગોળીથી દીપી ઉઠ્યા છે. ત્યારે મોરબી બાલઘર ખાતે આજે ધનતેરસ નિમિતે રૂપાબેન વડગમાં અને હેમાબેન કકકડે સુંદર મજાની રંગોળી બનાવી છે. જેમાં કુદરતી કલરોથી પ્રદુષણ રહિત વાતાવરણનો અહેસાસ કરાવે તેવી અદભુત રંગોળી બનાવી છે. આ રંગોળી અદભુત હોવાની સાથે વાતાવરણ શુદ્ધિનો સંદેશ આપવામાં આવ્યો છે. હાલ સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગથી પીડાઈ રહ્યું છે. શહેરોનું વાતાવરણ એકદમ પ્રદુષિત બન્યું છે. વિકાસની ઘેલછામાં આપણે પ્રકૃતિનો સત્યાનાશ કરી નાખ્યો છે. ત્યારે આ રંગોળીમાં દેખાતું મનોહર દ્રશ્ય હવે ઘરની દીવાલોમાં જ ચિત્ર રૂપી જોવા મળે છે. જો આ કુદરતે આપણને અણમોલ ધરતીની ભેટ આપી હતી અને સુંદર વાતાવરણ હતું પરંતુ આપણે કુદરતી નીતિનિયમોનો પોતાના સ્વાર્થ ખાતર નેવે મૂકીને શહેરને સિમેટ કોકરીટનું જંગલ બનાવી દીધું છે. તેથી, આવા કુદરતી દ્રશ્યો હવે કાલ્પનિક લાગે છે. પણ જો કુદરતી દ્રશ્ય હવે આપણા દરેકના સહિયારા પ્રયાસોથી વાસ્તવિક બને તો સમગ્ર પૃથ્વી નયનરમ્ય અને મનોહર બની જશે.