મોરબી : મોરબી પંથકમાં દિન-પ્રતિદિન ડેન્ગ્યુ તાવના કેસો વધતા જાય છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર તકેદારી સેવે અને ડેન્ગ્યુ તાવ વકરતો અટકાવે તે માટે મચ્છર નાબુદી તેમજ અન્ય આનુષંગિક પગલાં ભરી સઘન કામગીરી કરે તેવી મૌખિક તથા લેખિક રજૂઆત ધારાસભ્ય બ્રિજેશ મેરાજાએ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીને કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના એક જાગૃત નાગરિકે ઓમ શાંતિ સોસાયટી વિસ્તારમાં ડેન્ગ્યુ તાવના પોઝિટિવ કેસો અંગે બ્રિજેશ મેરાજાને રજૂઆત કરી હતી. ટેકિસર્સને ટાંકીને તેઓએ આરોગ્ય અધિકારીને આ બાબતે વધુ સાવધાની કેળવાય તે જોવા ભારપૂર્વક જણાવ્યું છે. મોરબી પંથકમાં અતિભારે વરસાદના કારણે મચ્છરજન્ય રોગોની દહેશત ઉભી થયેલી જણાય છે. તદ્પરાંત, શહેરના બાંધકામ થતા સ્થળોએ પાણી ભરાય રહેતા મચ્છરો થાય છે. આવા સ્થળોએ મચ્છરની ઉત્પત્તિ અટકે તે માટે ફોગીંગ કે અન્ય પગલાં લેવા માટે વહીવટ તંત્ર જાગૃત બને તેવી બ્રિજેશ મેરજા દ્વારા તાકીદ કરવામાં આવી હતી.