મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગરથી નેશનલ હાઇવે સુધીનો જે રસ્તો બિસ્માર હાલતમાં હતો તે રસ્તો સી. સી. રોડ બનાવવા માટે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઇ પાંચોટિયાએ મોરબી - માળીયા મિયાણાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી (માર્ગ-મકાન વિભાગ)ને રજુઆત કરી હતી. ત્યારબાદ સી. સી. રોડ મંજુર થયો હતો. આ બાબતે લક્ષ્મીનગરના ગ્રામજનોની માંગણી સંતોષાવાથી ગામમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. સી. સી. રોડ મંજુર થાય તે માટે લક્ષ્મીનગરની દિવ્યાંગો માટેની સંસ્થાના સંયોજક પધ્મશ્રી મુક્તાબેન ડગલી, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે. ડી. પડસુમ્બીયા તથા મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત, મંજૂરી માટે લક્ષ્મીનગરના સરપંચ બાલુભાઈ તથા દુર્લભજીભાઈ સીતાપરા સહિતના આગેવાનોએ સક્રિય રસ દાખવ્યો હતો. લાંબા સમય બાદ મંજૂરી મળતા લક્ષ્મીનગરના ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.