મામલતદાર કચેરી, પાલિકા અને પોલીસની સંયુક્ત કાર્યવાહી : દરોડાનું પેપર ફૂટી જતા તંત્રને ફટાકડા હાથે ન લાગ્યા , બધું સગેવગે થઈ ગયું મોરબી : મોરબીમાં મંજૂરી વગર ગેરકાયદે ફટાકડાના સ્ટોલના રાફડા ફાટી નીકળ્યા હતા. જેથી આજે રાત્રે તંત્રએ લાલઆંખ કરીને દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં 40 જેટલા સ્ટોલને હટાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે દરોડાનું આ પેપર ફૂટી જતા બધું સગેવગે થઈ ગયું હતુ. જેથી તંત્રના હાથમાં ફટકાડા આવ્યા ન હતા. માત્ર મંડપ અને ટેબલ સહિતની વસ્તુઓ જ હાથ લાગી હતી. મોરબી શહેર અને તાલુકામાં કાયમી માટે 12 તેમજ હંગામી ધોરણે 34 જેટલા સ્ટોલને ફટાકડાના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી છે. જો કે દિવાળી ટાણે ઠેક ઠેકાણે ફટાકડાના સ્ટોલના રાફડા ફાંટી નીકળ્યા હતા. જેમા મોટા ભાગના સ્ટોલ મંજૂરી લીધા વગર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા હતા. આવા સ્ટોલ સામે આજે પાલિકા, મામલતદાર કચેરી અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સિટી મામલતદાર રૂપાપરા, ચીફ ઓફિસર સાગર રાડીયા અને એ ડિવિઝન પીઆઇ ચૌધરી સહિતના અધિકારીઓની હાજરીમાં આજે શનાળા રોડ ઉપર સરદારબાગ નજીક તેમજ સામાકાંઠા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં મંજૂરી વગર ધમધમતા સરદારબાગ પાસેના 30 થી 35 અને સામાકાંઠે 8 જેટલાં સ્ટોલ મળીને અંદાજે કુલ 40 થી 45 જેટલા સ્ટોલને હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીની વાત ખબર પડી જતા તંત્રને સ્ટોલમાં કઈ હાથ લાગ્યું ન હતું. દરેક સ્ટોલ ઉપર ફટાકડા અગાઉથી જ સગેવગે કરી દેવામાં આવ્યા હતા. જેથી સ્ટોલમાં મંડપ અને ટેબલ સહિતની વસ્તુઓ જ બચી હતી.જેથી તંત્ર દ્વારા આ વસ્તુઓ કબ્જે લેવામાં આવી હતી.