મોરબીના ઓરેવા અજંતા જૂથના સુપ્રીમો જયસુખ પટેલ દ્વારા કચ્છના નાના રણમાં નજીવા ખર્ચે સરોવર બનાવાના રજૂ કરેલા પ્રોજેકટ બાબતે કેન્દ્ર સરકાર સક્રિય બની મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહના માર્ગદર્શન હેઠળ રચાયેલ 'જલ શક્તિ' મિનિસ્ટ્રી વિભાગના કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર ગજેન્દ્ર શેખાવતના નેતૃત્વ હેઠળ 18 અલગ-અલગ વિભાગોની હાઈલેવલ કમિટીની મીટીંગ ફરી વખત ગત તારીખ 17/09/2019ના રોજ 'જલ શક્તિ' મિનિસ્ટ્રી દિલ્હી ખાતે બોલાવવામાં આવેલ હતી. જેમાં ઓરેવા ગ્રુપના સુપ્રિમો જયસુખભાઇ પટેલ પણ તેમની ટેકનિકલ ટીમ સાથે હાજર રહેલ હતા. તેમજ રણ સરોવર માટે ખૂબ જ લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી. કોઈપણ પ્રોજેક્ટ પર નિર્ણય લેતા પહેલા સરકાર તરફથી જમા-ઉધાર દરેક પાસા ઉપર જીણવટ પૂર્વક અને ઉંડાણપૂર્વક એનાલિસિસ પણ કરવામાં આવતું હોય છે. અને સરકાર તરફથી દરેક બાબતોને ખૂબ જ ગંભીરતાથી જોવામાં આવતી હોય છે. ત્યારે ઓરેવા ગ્રુપના જયસુખભાઇ તરફથી આ મિટિંગમાં મીઠાના ઉદ્યોગમાં કામ કરતા 50000 અગરિયા પરિવારો પર સવિશેષ ધ્યાન આપવા સરકારને નમ્ર રજૂઆત કરવામાં આવેલ હતી. આ મિટિંગમાં સરકાર તરફથી પ્રોફેશનલ ટીમ અને નિષ્ણાતોને પણ સામેલ કરવામાં આવ્યા હતા તથા દેશની સર્વોત્તમ ટેકનિકલ સંસ્થા I.I.T. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી - રૂડકી - દહેરાદૂન)ના ડાયરેક્ટર તથા ઉચ્ચ અધિકારીઓને મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલે આ તકે મોરબી અપડેટને જણાવ્યું હતું કે હાલમાં પેપર વર્ક સ્ટડી અને રિસર્ચ પૂર્ણ થયા બાદ ઝડપથી ગુજરાતને સારા સમાચાર મળે તેવી આશા સેવાઈ રહી છે. એક નર્મદા ડેમથી ગુજરાતને ઘણા ફાયદાઓ થયા છે તે ગુજરાતનો દરેક વ્યક્તિ જાણે છે. 'રણ સરોવર' રૂપી બીજો નર્મદા ડેમ થશે તો દરેક ગુજરાતી ગર્વની લાગણી અનુભવશે તે માટે શંકાને સ્થાન નથી.