મોરબી : મેડિકલ અને પેરામેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા ડોકટર્સ દ્વારા આજે મોરબીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમાકુની વિવિધ બનાવટોના સેવનથી થતા નુકશાન બાબતે જન જાગૃતિ આવે તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે લાલ બત્તી ધરવામાં આવી હતી. મોરબીમાં મેડિકલ તેમજ પેરામેડિકલમાં અભ્યાસ કરી રહેલા ભાવિ ડોકટરો દ્વારા આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 150થી વધુ યુવા ડોકટરોએ વિવિધ બેનરો પ્રદર્શિત કરી જન જાગૃતિ અર્થે સૂત્રોચાર કરતા લોકોમાં રેલીને લઈને ખાસી ઉત્સુકતા જોવા મળી હતી. મેડિકલ તેમજ પેરામેડીકલનો અભ્યાસ કરતા યુવક તેમજ યુવતીઓએ આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેડિકલ અને પેરામેડીકલ ડોકટર એસોસિએશન પાછલા 17 વર્ષથી મોરબીમાં કાર્યરત છે. જે વિવિધ કાર્યક્રમોનું આયોજન વર્ષ દરમ્યાન કરતું રહે છે, કે અન્યો દ્વારા કરવામાં આવતા સમાજ ઉપયોગી આયોજનમાં પોતાનું યોગદાન આપતું રહે છે. જેમાં ખાસ કરીને મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ, વસ્ત્ર વિતરણ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોમાં શ્રમયજ્ઞ આપવામાં યુવા ડૉક્ટર્સનું એસોસિએશન અગ્રેસર રહે છે, ત્યારે આજે તમાકુ અને તેની વિવિધ બનાવટના સેવનથી થતા નુકશાન અંગે જન જાગૃતિ લાવવાના હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં વિવિધ બેનરો પર લખેલા અસરકારક સૂત્રોએ લોકોમાં ખૂબ આકર્ષણ જમાવ્યું હતું. જેમ કે 'બીડી-સિગારેટ તમને બંધ કરે એ પહેલાં બીડી-સિગરેટને તમે બંધ કરો'. આ ઉપરાંત યુવા ડોકટરો દ્વારા કરવામાં આવતા સૂત્રચારો પણ અસરકારક રહ્યા હતા. જેમ કે, 'એક દો એક દો, તમાકુ કો ફેંક દો'. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના આડેધડ કરવામાં આવતા ઉપીયોગ સામે લાલ બત્તી ધરતા સૂત્ર 'અમારો એક જ નારો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો'એ લોકોને પ્લાસ્ટિક વાપરવાથી થતા નુકશાન અંગે સચેત કર્યા હતા. રેલીનો ઉદ્દેશ લોકોમાં જાગરૂકતા વિકસે અને પ્રદુષણ તેમજ ભયાનક બીમારીઓના કારણો ઉજાગર કરવાનો રહ્યો હતો. નવા બસ સ્ટેન્ડથી શરૂ થયેલી રેલી રામચોક સુધી જઈ ત્યાંથી પરત ફરી હતી. રવાપર રોડ પર થઈ રેલીનું સમાપન નવા બસ સ્ટેન્ડ ખાતે થયું હતું. ઉલ્લેખનીય છે કે આવા સામાજિક અને જનજાગૃતિના કાર્યક્રમોમાં સામેલ થવા માટે યુવા ડોકટર એસોસિએશનમાં ખાસ ગર્લ્સ વિંગ ઉભી કરવામાં આવી છે. જે દરેક કાર્યક્રમમાં ભાગ લેશે તેવું નવ યુવા વિદ્યાર્થીનીઓએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.