ટેન્ડર ટૂંક સમયમાં જાહેર થશે મોરબી : મોરબી તાલુકાના ઝીક્યારી, ચકમપર, જીવાપર, કેશવનગર, તળાવિયા, બેલા, રંગપર સહીત 12 જેટલા ગામો અને 2 પેટાપરામાં પીવાના પાણીની લાંબા સમયની મુશ્કેલીનો અંત લાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરેજાએ પાણી પુરવઠા સચિવ, પાણી પુરવઠાના સભ્ય સચિવ તથા પાણી પુરવઠા મંત્રીને સતત રજૂઆત તથા ફોલોઅપ લીધા હતા. જેના કારણે રૂ. 19 કરોડ 78 લાખની ઘોડાધ્રોઇ ડેમની પાણી પુરવઠા યોજનાને વહીય વટી મંજૂરી મળી હતી. જે અંગેનું ટેન્ડર ટૂંક સમયમાં જાહેર થશે. આ યોજના અંતર્ગત ઘોડાધ્રોઇ ડેમ પાસે ઝીક્યારી ખાતે પાણી પુરવઠાનો ઇન્ટેકટ ટાવર બનાવવામાં આવશે તેમજ રો-પમ્પીંગ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ સાથેની અદ્યતન પાઈપલાઈન દ્વારા આ 12 ગામોને કાયમી ધોરણે પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી મળી રહેશે. તેમજ ચકમપર ગામમાં દરરોજ રૂ. 5000થી વધુના ખર્ચે ખાનગી સાહસો પાસેથી પાણી મંગાવવામાં આવે છે, જે હાડમારીનો આ યોજનાના કારણે અંત આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજેશ મૅરાજાએ મોરબી, માળીયા મીયાણા, જોડીયા જૂથ પાણી પુરવઠા યોજનાના પીપળીયા ચાર રસ્તા અને ગાળા ખાતે જર્જરિત થઇ ગયેલ ઓવરહેડ ટેન્ક, પાઈપલાઈન સહીતની મશીનરીઓ તાકીદે બદલીને નવી લાવવા માટે રજૂઆત કરી છે. તેમજ માળીયા મીયાણા નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી નિવારવા ઓવરહેડ ટેન્કની દરખાસ્ત કરવામાં આવી છે, જે હાલ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મશીનમાં વિચારાધીન છે. આ ઉપરાંત, મોરબીની નીતિન પાર્ક સોસાયટીને કાયમી ધોરણે પીવાના પાણી પાઈપલાઈની સુવિધા મળે, તેવો નિર્ણય પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં લેવાયો હોવાનું બ્રિજેશ મૅરાજાએ યાદીમાં જણાવ્યું હતું.