મોરબીવાસીઓને હજુ ખાડા ખબડાવાળા રોડ અને ધૂળની ડમરીઓ વચ્ચે જ દિવાળી કાઢવી પડશે : દિવાળી પહેલા કામ શરૂ થાય તેવા પણ અણસારો નથી દેખાતા મોરબી : મોરબીના બિસ્માર હાલતમાં રહેલા રોડ રસ્તાઓનું કામ દિવાળી સુધીમાં પૂર્ણ કરી દેવાના પાલિકાના વચન ઠાલા સાબિત થયા છે. કારણકે હજુ રોડ રસ્તાના કામ માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઈ નથી. માટે મોરબીવાસીઓને હવે ખાડા ખબડા વાળા રોડ અને ધૂળની ડમરીઓ વચ્ચે જ દિવાળી કાઢવી પડશે. આ વર્ષે ભારે વરસાદના કારણે મોરબીના મોટાભાગના રોડ રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે. હાલ શહેરના મોટા ભાગના રોડ ઉપર ખાડા ખબડા જોવા મળી રહ્યા છે. ઘણા રોડ ઉપર તો ડામર દેખાતો પણ નથી. માત્ર ધૂળ જ નજરે પડે છે. આ રોડ રસ્તાની ખરાબ હાલતથી દરરોજ વાહનચાલકો અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરે છે. ત્યારે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની 162 નગરપાલિકાઓને રોડ રસ્તાના કામ માટે રૂ. 170 કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી મોરબીના રોડ રસ્તાઓ થોડા સમયમાં સારા થશે તેવી મોરબીવાસીઓમા આશા જાગી હતી. પરંતુ હજુ સુધી આ આશા ફળીભૂત થઈ નથી. નગરપાલિકાઓને રોડ રસ્તાઓનું કામ દિવાળી સુધીમાં પૂર્ણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત મોરબી પાલિકાએ પણ દિવાળી સુધીના રોડનું સમારકામ કરવાનો બાંગો ઝીંકી દીધો હતો. પરંતુ મોરબીમાં હજુ સુધી રોડના કામ માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઈ નથી. આ ઉપરાંત દિવાળી સુધીમાં રોડ રસ્તાના કામો શરૂ થાય તેવા પણ કોઈ અણસાર હજુ દેખાતા નથી. આ અંગે અગાઉ જ્યારે પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાને પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેઓએ કહ્યું હતું કે નવરાત્રી દરમિયાન રોડ રસ્તાના કામ શરૂ થઈ જશે અને દિવાળી સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. જયારે અત્યારે તેઓની સાથે વાત કરતા તેઓએ કહ્યું કે વહીવટી મંજૂરી હવે મળતા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવનાર છે. 15 થી 20 દિવસમાં કામ શરૂ થઈ જાય તેવી શક્યતાઓ છે. આમ પાલિકા પ્રમુખના વચનો ઠાલા નીવડ્યા હોવાનું દેખાઈ આવે છે. એટલે મોરબીવાસીઓને દિવાળી ધૂળની ડમરીઓ અને મગરમચ્છની પીઠ જેવા માર્ગો વચ્ચે જ કાઢવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.