સરદાર પટેલના જન્મદિને મોરબી નગરપાલિકાથી નવા બસ સ્ટેશન સુધી રન ફોર યુનિટીનું આયોજન : સાંજે પઃ૦૦ કલાકે પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પણ યોજાશે મોરબી : સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમીત્તે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તા. ૩૧મી ઓકટોબરે મોરબીમાં યોજાનાર રન ફોર યુનિટીના કાર્યક્રમના આયોજનની પૂર્વ તૈયારી માટે જિલ્લા કલેકટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. મંગળવારે કલેક્ટર ચેમ્બરમાં મળેલી બેઠકમાં દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે આયોજિત રન ફોર યુનિટીના કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઇ હતી. ૩૧ ઓકટોબરના રોજ સવારે ૯:૦૦ કલાકે મોરબી નગરપાલિકા પરિસરથી નવા બસ સ્ટેશન (સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક) સુધી રન ફોર યુનિટી દોડ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત તે જ દિવસે સાંજે ૫:૦૦ કલાકે પોલીસ વિભાગ દ્વારા નવા બસ સ્ટેશન (સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક)થી નગરપાલિકા સુધી માર્ચ પાસ્ટનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શાળાઓ, કોલેજ તેમજ એન.સી.સી.ના વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાશે અને તમામને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવવામાં આવશે. દોડમાં સમગ્ર મોરબી શહેરમાંથી વધુ લોકો ભાગ લે તેવા આયોજન અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા વિવિધ સુચનો કરાયા હતા. રન ફોર યુનિટીના કાર્યક્રમના સફળ આયોજન માટે મંગળવારે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ. એમ. ખટાણા, નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, ડીવાયએસપી ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.