છેલ્લા એક મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 211 કેસ આ વ્યા પરંતુ જિલ્લા પંચાયતના ચોપડે છેલ્લા ચાર માસમાં ડેન્ગ્યુના 18 જ કેસ!!! એક તરફ સમગ્ર રાજ્યમાં ડેન્ગ્યુનો હાહાકાર, બીજી બાજુ જિલ્લા પંચાયત દ્વારા ગંભીર રોગની નોંધણી કરવામાં લાપરવાહી મોરબી : મોરબીમાં રોગચાળાએ ભરડો લીધો છે. ખાસ કરીને ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે. આવા સમયે જિલ્લા પંચાયત દ્વારા ચોપડે સબ સલામતના દાવા કરવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 211 કેસ આવ્યા પરંતુ જિલ્લા પંચાયતના ચોપડે છેલ્લા ચાર માસમાં ડેન્ગ્યુના માત્ર 18 કેસ જ નોંધાયા હોવાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં હાલ રોગચાળો વકરી રહ્યો છે. જેની પાછળ તંત્રને પણ ઘણા અંશે જવાબદાર માનવામાં આવી રહ્યું છે. ઉપરથી તંત્ર દ્વારા આંકડા પણ છુપાવવામાં આવી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. માત્ર મોરબીની સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા એક મહિનામાં ઝાડા ઉલ્ટીના 252, ડેન્ગ્યુના 211, મેલેરિયાના 11, તાવના 176 અને કમળાના 518 કેસો નોંધાયા છે. જો કે મોટાભાગના કેસો ખાનગી હોસ્પિટલમાં જતા હોવાથી ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલા કેસનો સંખ્યા સિવિલ હોસ્પિટલ કરતા 15 ગણી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના આંકડા તદ્દન વિપરીત જોવા મળી રહ્યા છે. આ આંકડામાં ડેન્ગ્યુ સહિતના બીજા રોગોમાં સબ સલામત બતાવવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા ગત તા. 1 જુનથી 15 ઓક્ટોબર સુધીના આંકડા જાહેર કરાયા છે. જેમાં ઝાડા ઉલ્ટીના 7351, ટાઈફોડના 13, મેલેરિયાના 82 અને ડેન્ગ્યુના 18 કેસ બતાવવામાં આવ્યા છે. જ્યારે કમળાનો એક પણ કેસ જિલ્લા પંચાયતના ચોપડે નોંધાયો નથી. માત્ર મોરબીની સિવિલ હોસ્પિટલમાં જ જિલ્લા પંચાયતના આંકડા કરતા વધારે કેસો નોંધાયેલા જોવા મળી રહ્યા છે. હાલ ડેન્ગ્યુએ રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે. આ ડેન્ગ્યુના માત્ર મોરબીની સિવિલ હોસ્પિટલમાં જ 211 કેસ નોંધાયા છે. તે પણ એક મહિનામાં નોંધાયા છે. જ્યારે જિલ્લા પંચાયતના ચોપડે છેલ્લા ચાર મહિનામાં ડેન્ગ્યુના 18 કેસ બોલે છે. આમ બન્ને આકડાઓમાં ભારે અસમાનતા જોવા મળી રહી છે.