ફટાકડા અને રંગોળીના કલર સહિતની વસ્તુઓની માર્કેટમાં ધૂમ આવક : દિવાળીને બે દિવસ પૂર્વેથી ઘરાકી શરૂ થયા તેવી વેપારીઓને આશા મોરબી : હાલ દિવાળીને માત્ર એક અઠવાડિયુ જ બાકી રહ્યું છે. તેમ છતાં મોરબીની બજારો સુમસામ ભણી રહી છે. ફટાકડા અને રંગોળીના કલર સહિતની વસ્તુઓની માર્કેટમાં ધૂમ આવક થઈ છે. વેપારીઓ અહીં આતુરતા પૂર્વક ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી માર્કેટમાં દિવાળીની રોનક ઝાંખી દેખાઈ રહી છે. ઘરાકી દિવાળીના બે દિવસ પૂર્વેથી નીકળે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે. આગામી બુધવારે દિવાળીનો પર્વ શરૂ થાય છે. જેને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે. સમાન્ય રીતે એક અઠવાડિયા પૂર્વથી જ દિવાળીની ઘરાકી બજારોમાં દેખાતી હોય છે. પરંતુ આ વખતે દિવાળીના પર્વે બજારમાં જાણે મંદી હોય તેવો માહોલ સર્જાયો છે. વેપારીઓએ પોત પોતાની દુકાનોમાં માલ તો ભરી લીધો છે. પરંતુ ઘરાકીની હાલ રાહ જોવાય રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ દર વર્ષ મુજબ આ વર્ષે પણ એકાદ અઠવાડિયા પૂર્વેથી જ દિવાળીની ખરીદી શરૂ થઈ જવી જોઇતી હતી. પરંતુ આ વર્ષે હજુ બજારોમાં ગ્રાહકો દેખાતા નથી. હાલ તો વેપારીઓ આગામી રવિવારથી ઘરાકી શરૂ થશે તેવી આશા સેવી રહ્યા છે. મોરબીમાં આ વર્ષે ફટાકડાનું માર્કેટ રૂ. 3.5 કરોડનું : બજારમાં એક પણ ચાઈનીઝ ફટાકડો નહિ વેચાય મોરબીની માર્કેટમાં આ વર્ષે રૂ. 3.5 કરોડના ફટકડા વેચાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હાલ અનેકવવિધ સ્થળોએ ફટાકડાના સ્ટોલ નખાઈ ગયા છે. કુલ 400 થી 500 જેટલા સ્થળોએ ફટાકડાની વેચાણ શરૂ થઈ ગયું છે. આ વર્ષે 20 ટકા જેટલો ભાવ વધારો પણ આવ્યો છે. વધુમાં આ વર્ષે માર્કેટમા ચાઈનીઝ ફટાકડાની આવક નહીવત થઈ હોવાનું જાણવા મળે છે.